જે ક્રિયમાણ કર્મ જેટલા કરો અને જેવી રીતે કરો તેટલું જ અને તેવી રીતનું પ્રારબ્ધ નિર્માણ થાય અને તેટલું જ ફળ મળે, તેથી જરા પણ ઓછું કે વધુ મળે નહિ. જન્મ લેતી વખતે જેટલું સંચિત કર્મ પાકીને ફળ આપવા પ્રારબ્ધ બન્યું હોય તેટલું જ પ્રારબ્ધ કર્મ ભોગવવાને અનુરૂપ દેહ મળે અને માતા-પિતા, સ્ત્રી-પુત્રાદિક પણ તેટલું જ પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ પ્રાપ્ત થાય. તમારા પ્રારબ્ધ પ્રમાણેના જ માતા-પિતાની કુખે તમારો જન્મ થાય અને તમારા પ્રારબ્ધને અનુરૂપ જ સગવડો તમને તે માતા-પિતાના ઘરમાં પ્રાપ્ત થાય. ક્યાં માતા-પિતાને ત્યાં જન્મ લેવો છે તેની પસંદગી આપણે પોતે કરવાની હોતી નથી. આપણે તો બિરલા શેઠને ત્યાં જ જન્મ લેવાનું પસંદ કરીએ કે જ્યાં જન્મ લેતાની સાથે જ પચ્ચીસ બંગલા અને પાંચ-પચ્ચીસ મોટરોના માલિક થઈ જઈએ. પરંતુ એવા માતા-પિતા કે સ્ત્રી-પુત્રાદિકની પસંદગી આપણે કરવાની હોતી નથી. આ બધા ઋણાનુબંધો તમારા પ્રારબ્ધવશાત જ આ જીવનકાળ દરમિયાન તમને આવી મળે.
'રણ રે સંબંધે આવી મળે, સુત વિત્ત દારા ને દેહ'
અને તમારા ઋણાનુબંધ પુરા થાય કે તુરત જ છુટા થઇ જાય. તમારું કરેલું ક્રિયમાણ કર્મ પાકીને તમારા પ્રારબ્ધરૂપે સામું આવે અને તે પૂરેપૂરું જીવનકાળ દરમિયાન ભોગવી લો, પછી જ દેહ છૂટે.
યસ્માત્ ચ યેન ચ યથા ચ યદા ચ યત્ ચ,
યાવત્ ચ યત્ર ચ શુભાશુભમાત્મકર્મ |
તસ્મત્ ચ તેન ચ તથા ચ તદા ચ તચ્ચ,
તાવત્ ચ તત્ર ચ વિધાતૃવશાત્ ઉપૈતિ ||
જેમાંથી, જેનાથી, જેવી રીતે, જયારે, જેટલા વખત માટે, જ્યાં શુભ, અશુભ ક્રિયમાણ કર્મ કરેલા હોય, તેમાંથી જ અને તેનાથી જ, અને તેવી રીતે અને ત્યારે જ તેટલા વખત માટે જ અને ત્યાં જ પ્રારબ્ધ બનીને તમને આવી મળે.
મુખ્ય પ્રધાન તેમના પટાવાળા ઉપર અત્યંત ખુશ થઇ જાય, તો પણ તેને કલેક્ટરની ખુરશીમાં નિમણૂંક ન જ કરી શકે.
તુષ્ટોપિ રાજા યદિ સેવકભ્યો, ભાગ્યાત્પરં નૈવ દદાતિ કિંચિત્ |
અહર્નિશં વર્ષતિ વારિવાહ:, તથાપિ પત્રત્રિત્રય: પલાશ: ||
રાજા તેના નોકર ઉપર ગમે તેટલો સંતુષ્ટ થઇ જાય તો પણ તેને ભાગ્યથી જરા પણ વધારે કાંઈ જ આપી શકે નહિ અને પરાણે કરીને આપવા જાય તો તે પેલાના હાથમાંથી છટકી જાય. ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠેય દિવસ વરસાદ વરસે તો પણ પલાશના છોડને માત્ર ત્રણ જ પાંદડા ફૂટે, ચોથું ના ફૂટે!
વસંત ઋતુ આવે ત્યારે જગતમાં તમામ વૃક્ષોને નવા પાન આવે પરંતુ કેરડાંના ઝાડને નવા પાન ના આવે, તેમાં વસંતઋતુનો દોષ નથી. સૂર્યનારાયણ ઉગે ત્યારે આખી દુનિયામાં બધાને દેખાય, પરંતુ ઘુવડને ના દેખાય, તેમાં સૂર્યનારાયણનો દોષ નથી, ચોમાસામાં વરસાદ ગરીબ અને તવંગર તમામના ઘર ઉપર સરખી રીતે જ વરસે છે. પરંતુ ચાતક પક્ષી મોઢું ફાડીને બેસી રહે તો પણ તેના મોમાં ટીપું પણ પાણી ના પડે તેમાં વરસાદનો દોષ નથી.
પત્રં નૈવ યદા કરીરવિટપે દોષો વસન્તસ્ય કિમ્,
નોલૂકોઽપ્યવલોકતે યદિ દિવા સૂર્યસ્ય કિં દૂષણમ્।
ધારા નૈવ પતન્તિ ચાતકમુખે મેઘસ્ય કિં દૂષણમ્,
યત્પૂર્વં વિધિના લલાટલિખિતં તન્માર્જિતું કઃ ક્ષમઃ।।
- ચાણક્યનીતિ (૧૨/૬)
પ્રારબ્ધમાં જે નિર્માણ થતું હોય તેને કોઈ ભૂંસી શકે નહિ. માણસના જન્મ પછી છઢ્ઢીના દિવસે વિધાતા તેના લેખ લખવા આવે છે. તેવી આપણામાં માન્યતા છે. આ વાત કદાચ સાચી હોય તો પણ માણસે જે ક્રિયમાણ કર્મ કર્યા હોય અને તે પાકીને જેવું અને જેટલું પ્રારબ્ધ તેનું નિર્માણ થતું હોય તેનાથી જરા પણ ઓછું અગર વધતું વિધાતા તેના લેખમાં લખી શકે જ નહિ. તમારા પ્રારબ્ધમાં જેટલા પૈસા પેદા કરવાના નિર્માણ થયા હોય તેનાથી એક પણ પાઇ તમને વધારે કે ઓછી ના મળે. આડાઅવળા ગોટાળા કરીને વધારે પૈસા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો તો ઉપરથી નવા ખોટા ઉભા કરેલા ક્રિયમાણ કર્મમાં ફસાઈ પાડો. એક સંસ્કૃત કવિ વ્યંગ ભાષામાં લખે છે કે:
મા ધાવ મા ધાવ વિનૈવ દ્રવ્યમ, ન ધાવનમ સાધનમસ્તિ લક્ષ્મ્યા |
ચૈત ધાવનમ કારણમસ્તિ લક્ષ્મ્યા: શ્વા ધાવમાનોપી લભેત લક્ષ્મીમ ||
પૈસા માટે ખોટી નાસનાસ ના કરો. કારણકે ખોટી નાસનાસ કરવાથી પૈસા આવતા નથી. જો ખોટી નાસનાસ કરવાથી પૈસા આવતા હોય તો કૂતરું પણ આખો દિવસ એક ફળીયામાંથી બીજા ફળિયામાં નાસનાસ કરે છે, અને જરા પણ જંપીને બેસતું નથી. છતાં હજુ સુધી એકેય કૂતરું પૈસાદાર થયું નથી. કહેવાનો ભાવાર્થ એ કે તમારા પોતાના જ કરેલા ક્રિયમાણ કર્મ પ્રમાણે જ તમારું પ્રારબ્ધ જન્મતાની સાથે જ નિર્માણ થઇ ચૂક્યું છે અને માટે જ તેથી વિશેષ તમે કોટી ઉપાય કરો તો પણ તમને વધારે મળવાનું નથી જ.