કોઈ દલીલ કરે કે હું જીવનકાળ દરમિયાન કોઈ કર્મ જ ના કરું તો પછી કર્મ સંચિત કર્મમાં જમા થવાનો સવાલ જ રહે નહિ અને તેને પાકીને પ્રારબ્ધરૂપે ભોગવવાનો પણ પ્રશ્ન રહે નહિ. તેથી તે ભોગવવા દેહ ધારણ કરવો પડે નહિ એટલે આપોઆપ મોક્ષ થાય અને દેહથી મુક્ત થવાય. આ દલીલ બરાબર નથી. માણસ કર્મ કર્યા સિવાય તો રહી શકે જ નહિ.
ભગવાન શ્રીમદ્ ભગવદ ગીતામાં સ્પષ્ટ કહે છે કે –
ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્। (ગીતા - ૩/૫)
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ। (ગીતા - ૩/૮)
કોઈ પણ માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. તે કર્મ ના કરે તો તેની શરીર યાત્રા અટકી પડે. નહાવું, ધોવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, બોલવું, સુઈ જવું, ઊંઘવું, જોવું, શ્વાસોચ્છ્વાસ લેવા, જીવન નિર્વાહ માટે નોકરી-ધંધો કરવો, શરીર-સ્વાસ્થ્ય માટે કસરત વગેરે અનેક કાર્યો કરવા જ પડે છે, એટલે કર્મ તો જન્મથી મરણ સુધી કરવા જ પડે છે. પરંતુ ક્રિયમાણ કર્મ કરવામાં એણે એવી રીતે કુશળતાપૂર્વક કર્મો કરવા જોઈએ કે જેથી તે કર્મો તાત્કાલિક ફળ આપીને શાંત થઇ જાય અને તે સંચિત કર્મોમાં જમા થવા પામે નહિ. તો જ તે કર્મોને લાંબે ગાળે ભવિષ્યમાં પ્રારબ્ધરૂપે ભોગવવા બીજું શરીર ધારણ કરવું ના પડે. માટે જ માણસે એવા ક્રિયમાણ કર્મો કરવા જોઈએ કે જેથી તે સંચિતમાં જમા થાય નહિ.