વેદાંત વિચાર

પ્રકરણ ચોથું : જીવનું સ્વરૂપ

૩૪. તમારા મિત્રોને ઓળખી લો.

ઉપર કહ્યું તેમ તમારી ઇન્દ્રિયો જ તમારી શત્રુ છે, જે તમને મુશ્કેટાટ બાંધીને સંસારચક્રમાં નાખે છે, તો પછી તમારા મિત્રો કોણ છે જે તમને સંસારચક્રમાંથી બહાર કાઢે? તેને પણ તમે ઓળખી લો:

શંકરાચાર્યજી કહે છે:

के शत्रवः सन्ति ? निजेन्द्रियाणि |

तानि एव मित्राणि जितानि यानि ||

તમારી ઇન્દ્રિયો. જે તમારી શત્રુ છે તે જ ઇન્દ્રિયો, જો તમારા કાબુમાં રહે તો તે જ ઇન્દ્રિયો તમારી મિત્ર બની જાય અને તે જ ઇન્દ્રિયો પરમાત્માની પ્રાપ્તિમાં તમને સંપૂર્ણ રીતે મદદગાર થઇ શકે. બીજાની ઇન્દ્રિયો તમને કામમાં નહીં આવે. તમારી ઇન્દ્રિયો જે સંસાર બાજુ વહે છે તેનો પ્રવાહ બદલીને એક એક ઇન્દ્રિયને જો તમે પરમાત્માના કામમાં લગાડો તો તે ઇન્દ્રિયો તમને અલૌકિક ગજબનો ફાયદો કરે છે. છેક પરમાત્મા સુધી તમને પહોંચાડી દે.

આને માટે ઇન્દ્રિયોનો નિગ્રહ અને નિરોધ કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.