ગીતા નવનીત

ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈઃ શાસ્ત્રવિસ્તરૈઃ।

યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ્વિનિઃસૃતા।।

હરિ: ૐ તત્ સત્

છેલ્લા લગભગ ૧૫ વર્ષથી પૂજ્ય પાદ સ્વામીશ્રી હરિહરાનંદજીના આશ્રમમાં પ. પૂ. શ્રી ગીતાભારતીજીના આશીર્વાદ અને આજ્ઞા લઈને સ્વ. શ્રી રમણકાકાએ (શ્રી રમણલાલ મણીભાઈ શાહ - રંગવાળા) આશ્રમના સત્સંગ હોલમાં જ્ઞાનામૃતની પરબ બેસાડી છે. અને તેમાં અનેક મુમુક્ષુ-જિજ્ઞાસુ ભક્તોએ ગીતા - રામાયણ - શ્રીમદ્ ભાગવત ઉપર શ્રી હીરાભાઈ ઠક્કરના મુખે પ્રવચનો સાંભળેલા છે. સ્વ શ્રી રમણકાકાના દેહવિલય પછી તેમના સુપુત્ર શ્રી સુરેશભાઈએ તેમના પિતાશ્રીની ઈચ્છાને અનુરૂપ આ જ્ઞાનામૃતની પરબ ચાલુ રાખેલ છે અને તેને માટે જે કઈ ખર્ચ થાય તે તેઓ આપે છે જેને માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.

પૂજ્યશ્રી ગીતાભારતીજીએ આશીર્વાદ અને આજ્ઞા સાથે આ જ્ઞાનામૃતની પરબ ચાલુ રાખી છે તેને માટે તેમનો પણ જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

સંવત ૨૦૫૪ના અષાઢ સુદી પુનમથી (ગુરુ પૂર્ણિમાથી) સંવત ૨૦૫૫ના ભાદરવા સુદી પૂનમ સુધી અધિક માસ સહીત લગભગ ૧૫ મહિના સુધી દરરોજ સવારે ૮:૩૦ થી ૯:૩૦ સુધી આ આશ્રમમાં ભગવદગીતા ઉપર શ્રી હીરાભાઈ ઠક્કરે પ્રવચનો આપ્યા હતા તે અનેક જિજ્ઞાસુ - મુમુક્ષુ - પિપાસુ ભાઈબહેનોએ જ્ઞાનામૃતની પરબનો પૂરેપૂરો લાભ લઈને એકાગ્ર ચિત્તથી ખુબ પ્રેમથી પાન કર્યું છે. તેમાંથી જીવનમાં ઉતારવા જેવો ટૂંકસાર અમોએ આ પુસ્તકમાં "ગીતા નવનીત" (તારવેલું માખણ) પ્રસ્તુત કરવા પ્રયત્ન કર્યો છે.

ભગવદગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્માએ અનેક સિદ્ધાંતોની અત્યંત તલસ્પર્શી છણાવટ કરી છે તેમાં નીચે પ્રમાણેના ચાર સિદ્ધાંતો મુખ્ય છે.

૧. આત્માની અમરતા

૨. દેહની ક્ષણભંગુરતા

૩. નિષ્કામ કર્મની અનિવાર્યતા

૪. સંસારની અસારતા

આ 'ગીતા નવનીત' (ગીતાનું માખણ) નાનકડા પુસ્તકમાં કુલ નવ પ્રકરણો નીચે પ્રમાણે છે.

પ્રકરણ ૧: ગીતાનો કર્મયોગ (અધ્યાય ૧ થી ૬નો સાર)

પ્રકરણ ૨: ગીતાનો ભક્તિયોગ (અધ્યાય ૭ થી ૧૨નો સાર)

પ્રકરણ ૩: ગીતાનો જ્ઞાનયોગ (અધ્યાય ૧૩ થી ૧૮નો સાર)

પ્રકરણ ૪: સ્થિતપ્રજ્ઞના લક્ષણો (અધ્યાય ૨/૫૫ થી ૨/૬૮)

પ્રકરણ ૫: ભક્તના લક્ષણો (અધ્યાય ૧૨/૧૩ થી ૧૨/૨૦)

પ્રકરણ ૬: જ્ઞાનીનાં લક્ષણો (અધ્યાય ૧૩/૭ થી ૧૩/૧૧)

પ્રકરણ ૭: ગુણાતીતના લક્ષણો (અધ્યાય ૧૪/૨૨ થઈ ૧૪/૨૬)

પ્રકરણ ૮: દૈવીસંપત્તિયુક્તનાં લક્ષણો (અધ્યાય ૧૬/૧ થી ૧૬/૩)

પ્રકરણ ૯: સિધ્ધબ્રહ્મજ્ઞાનીનાં લક્ષણો (અધ્યાય ૧૮/૫૧ થી ૧૮/૫૬)

ગીતાનો અંતિમ ઉપદેશ નીચે પ્રમાણે પાંચ શ્લોકમાં કેન્દ્રિત થયેલો છે.

મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ ।

નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ॥ ૧૧/૫૫॥

હે પાંડવ ! જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વપ્રાણી પ્રત્યે વેરરહિત હોય છે, તે મને પામે છે.

યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।

યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ ૯/૨૭॥

હે કુંતીપુત્ર ! તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે, તે મને અર્પણ કર.

અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।

તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥ ૨૨॥

જેઓ અનન્ય ભાવે મારુ ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય(મારામાં) જોડાયેલાઓના યોગ (અપ્રાપ્યની પ્રાપ્તિ) તથા ક્ષેમ (પ્રાપ્તિની રક્ષા)નો ભાર હું ઉઠાવું છું.

મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।

મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥ ૧૮/૬૫॥

તું મારામાં મનવાળો, મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર, (એમ કરવાથી) તું મને જ પામીશ. (આ) તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું. કેમ કે તું મને પ્રિય છે.

સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ ૧૮/૬૬॥

સર્વ ધર્મો છોડી તું મને એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર.

'ગીતા નવનીત"નો જે મુમુક્ષુ - જિજ્ઞાસુ ભક્તો દરરોજ પાઠ કરે (માખણનું ભોજન) તેનું જીવન ખરેખર કૃતકૃત્ય બની જશે તેમાં કોઈ શંકા નથી.

લિ. સાધક ભાઈબહેનો

સ્વામી શ્રી હરિહરાનંદ આશ્રમ

એલિસબ્રિજ - અમદાવાદ

આ "ગીતા નવનીત" પુસ્તકનું વિધિવત વિમોચન પૂજય શ્રી ગીતાભારતીજીના

વરદ હસ્તે તા. ૪-૩-૨૦૦૦ (શિવરાત્રી)ના રોજ થયેલું છે.