Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૨૩. સમષ્ટિના કલ્યાણ માટે કરેલા કર્મો

કેટલાક કર્મો દુનિયાની દ્રષ્ટિએ પાપકર્મો ગણાતા હોવા છતાં તે જગતના, સમષ્ટિના કલ્યાણ માટેના હોય તો તે પાપકર્મો  હોવા છતાં સંચિત કર્મમાં જમા થતા નથી.

જૂઠું બોલવું તે પાપ ગણાય છે અગર તો જૂઠું બોલવાની કોઈને ફરજ પાડવી અગર તો પ્રેરણા કરવી તે પણ એટલું જ પાપ ગણાય છે. છતાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર જેવા ધર્મરાજાને જૂઠું બોલવાની પ્રેરણા કરી અને 'નરો વા કુંજરો વા' એમ કહીને ધર્મરાજા યુધિષ્ઠિર યુદ્ધમાં અશ્વત્થામા હણાયો છે એમ જૂઠું બોલ્યા. આમાં શ્રીકૃષ્ણને કોઈ અંગત સ્વાર્થ નહોતો. પાંડવો જીતે તો તેમાંથી તેમને કંઈ ભાગ કે કમિશન મળવાનું નહોતું. પરંતુ યુધિષ્ઠિર જો આટલું જૂઠું ના બોલે તો દ્રોણાચાર્ય મરાય તેમ નહોતા અને સમષ્ટિના કલ્યાણ માટે આતતાયી દુષ્ટ જીવોના સંહાર માટે ખેલાયેલા ધર્મયુધ્ધમાં પાંડવો જીતી શકે તેમ નહોતા.

યુધિષ્ઠિરને થોડું જૂઠું બોલવાથી નુકશાન થયું. તેમના સત્યવાદીપણામાં થોડી ઝાંખપ લાગી, પરંતુ એક વ્યક્તિને નુકશાન થવા જતા જો સમષ્ટિનું કલ્યાણ થતું હોય તો તે માટે જૂઠું બોલવાની પ્રેરણા કરનાર શ્રીકૃષ્ણ તે પાપકર્મના પ્રણેતા હોવા છતાં તેમને તે કર્મનું ફળ ભોગવવું પડ્યું નથી અને તે સંચિતમાં જમા થઈને તેમના પુનર્જન્મનું કારણ બની શક્યું નહિ. શ્રીકૃષ્ણે તેમના જીવનકાળ દરમિયાન ઘણી ચોરીઓ કરી છે. 'માખણચોર'ને નામે પ્રસિદ્ધ છે. દિવ્યમણી તેમણે ચોરેલો અને જૂઠું પણ અનેકવાર બોલેલા. પરંતુ તેમના તમામ કર્મો સમષ્ટિના કલ્યાણ માટે અને જગતના ઉદ્ધાર માટે કરેલા હતા. એટલે તો ભગવાને ગીતામાં કહ્યું છે કે -

જન્મ કર્મ ચ મેં દિવ્યમ |

મારો જન્મ અને મારા કર્મ દિવ્ય છે. મારે મારા અંગત સ્વાર્થ માટે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, કારણ કે હું સ્વયં પૂર્ણકામ છું.

ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।

નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥

યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ ।

મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥

(ગીતા ૩/૨૨-૨૩)

શ્રીકૃષ્ણ કહે છે: મારો જન્મ દિવ્ય છે અને કર્મ પણ દિવ્ય છે. એના ત્રણ કારણ છે.

૧, હું બીજા માણસોની માફક માતાના ગર્ભમાં નવ માસ ઊંધો લટકીને પછી જન્મ લેતો નથી, પરંતુ હું સ્વયં પ્રગટ થાઉં છું.

૨. મારા પૂર્વજન્મના સંચિત કર્મો ભોગવવા માટે હું દેહ ધારણ કરતો નથી, કારણ કે મારી પાછળ મારા કોઈ સંચિત કર્મો પડ્યા નથી. અને

૩. મારા જીવનકાળમાં જે જે કર્મો મેં કર્યા છે તે લીલામાત્ર છે અને સમષ્ટિના કલ્યાણ માટે કરેલા છે. તે મેં કોઈ અંગત રાગદ્વેષથી પ્રેરાઈને, મારા અંગત સ્વાર્થ માટે, કર્તાપણાના અભિમાનથી કરેલ નથી, અને તેથી તે કર્મ સંચિતમાં જમા થતા નથી અને તે મારા બીજા જન્મના હેતુંકારણ બનતા નથી.

હું મારી ઈચ્છા પ્રમાણે જ્યાં, જયારે, જેવા દેહની જરૂર પડે તેવો દેહ ધારણ કરું છું.

'નિજ ઈચ્છા નિર્મિત તનુ:'

એમ તુલસીદાસજી રામાયણમાં વર્ણન કરે છે. જગતના મહાપુરુષો રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, મહાત્મા ગાંધી, જીસસ ક્રાઈસ્ટ, મહંમદ પયગંબર, વગેરેએ તેમના જીવનકાળ દરમ્યાન માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કર્મો કરેલા છે તેથી તે મુક્ત જીવો ગણાય છે.