Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૨૪. નિષ્કામ કર્મો

કામનારહિત કરેલ કર્મ સંચિત કર્મમાં જમા થતા નથી, ખરેખર તો દરેક માણસ જે કર્મ કરે છે તે કોઈ કામનાથી, ઈચ્છાથી, આશાથી જ પ્રેરાઈને કરે છે અને તેમાં તેનો દોષ હોતો નથી. માણસ ફળની આશા, ઈચ્છા, કામના રાખે કે ના રાખે તો પણ કર્મફળ આપ્યા સિવાય તો છોડે જ નહિ તેવો કર્મનો અટલ સિદ્ધાંત છે. તે આપણે ઉપર જોઈ ગયા છીએ. પરંતુ કેટલાક માણસો કર્મ કરે તે છતાં તેમને તેમના કર્મનું ફળ જોઈતું નથી. આ વાત વિચિત્ર નથી, પરંતુ સાચી છે. માણસ પાપ કરે છે, પરંતુ તેનું ફળ તેને જોઈતું નથી. માણસ ચોરી કરે પણ તેને પોલીસથી પકડાવું નથી. તેને લાંચ લેવી છે પણ લાંચ લેતા તેને પકડાવું નથી અને તેનું ફળ, સજા તેને જોઈતી નથી. એટલે તેનો અર્થ એવો નથી કે તે નિષ્કામ કર્મ કરે છે. માણસને પાપકર્મ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ તેને ફળ ભોગવવાની જરા પણ ઈચ્છા થતી નથી. તેને તો માત્ર પુણ્યકર્મનું જ ફળ જોઈએ છે. પરંતુ તેને પુણ્યકર્મ કરવું નથી.

પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યં ન ઇચ્છન્તિ માનવા:।

ન પાપફળમિચ્છન્તિ પાપં કુર્વન્તિ યત્નત: ||

(મહાભારત)

પાપકર્મ કરનારને તેના ફળની કામના નથી. માટે તે માણસ પાપકર્મ નિષ્કામ ભાવે કરે છે તેવું નથી. નિષ્કામ કર્મ એટલે શાસ્ત્રવિહિત કર્મ. ધર્મની મર્યાદામાં રહીને, અંગત રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, કર્તાપણાના અભિમાન વગર, સમષ્ટિના કલ્યાણ માટે, પોતાનો અંગત કલુષિત સ્વાર્થ છોડીને કરેલું કર્મ તે નિષ્કામ કર્મ છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે –

મા કર્મ ફળ હેતુર્ભૂ: - ફળ મળે તો જ કર્મ કરું એ ભાવનાથી નહિ, પરંતુ પોતાની ફરજના અંગરૂપે પોતાનો આત્મા રાજી થાય તે માટે, ભગવદ પ્રીત્યર્થે માણસ કર્મ કરે તે જ નિષ્કામ કર્મ. માણસ સવારથી ઉઠે ત્યારથી સુખની ખોજમાં નીકળીને દુઃખ મેળવવા માટે કર્મ કરતો જ નથી છતાં દુઃખ આવી આવીને ખોળામાં પડે છે એટલે સુખ અગર તો દુઃખ પ્રારબ્ધવશાત માંગો કે ના માંગો તો પણ આવીને મળવાનાં જ. ભક્ત નરસિંહ મહેતા કહે છે કે –

'સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘાટ સાથે રે ઘડિયા,

ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથનાં જડિયા.'

પરંતુ નિષ્કામ ભાવે, ભગવદ પ્રીત્યર્થે કરેલા કર્મ સંચિતમાં જમા થતા નથી અને તે જીવને જન્મમરણના ચક્કરમાં નાખતા નથી.

સૂર્યનારાયણ ઉગે છે કે તરત જ અંધકારનો નાશ થાય છે. પરંતુ આપણે સૂર્યનારાયણને કહીએ કે અમે તમારો ઉપકાર માનીએ છીએ કે તમોએ આવીને ગાઢ અંધકારનો નાશ કર્યોં. તો સૂર્યનારાયણ એમ જ જવાબ આપે કે મેં અંધકાર જોયો જ નથી. મેં અંધકારનો નાશ કર્યોં જ નથી. પરંતુ મારા અસ્તિત્વ માત્રથી જ અંધકાર એની મેળે નાસી ગયો છે. અને જો મારા સાન્નિધ્યમાં અંધકાર ઉભો રહે, ટકી રહે તો મારુ અસ્તિત્વ ના રહે. સૂર્યનારાયણ તો માત્ર સમષ્ટિના કલ્યાણ માટે જગતને પ્રકાશ અને જીવન આપવા માટે કરોડો માઈલની મુસાફરી કરે છે, તેને માટે કંઈ પણ પગાર માંગતા નથી. નિયત સમયથી એક પળ પણ મોડા પડ્યા નથી. પગાર, પેન્શન, ગ્રેજ્યુઈટી કશાની તેમને કામના નથી. માત્ર સમષ્ટિના કલ્યાણ માટે, કર્તાપણાના અભિમાન સિવાય તે કર્મ કરે છે. આ નિષ્કામ કર્મ કહેવાય.

એક માતા પોતાના નાના બાળકની માવજત કરે છે. આ બાળકને ૧૦૪ ડિગ્રી તાવ આવ્યો હોય અને તેની મા ચાર-ચાર રાતના ઉજાગરા કરે, તેને તમે કહો કે તને એક હજાર રૂપિયા આપું, તું આ બાળકને ધવરાવીશ નહિ અને માવજત કરીશ નહિ. વળી આ બાળક મોટું થશે ત્યારે તે અને તેની પત્ની બંને તને મારશે અને દુઃખી કરશે. છતાં પણ મા તમારી વાત કબૂલ રાખે નહિ. છોકરો તેને દુઃખી કરે કે સુખી કરે, પરંતુ મા તો નિષ્કામભાવે બાળકની માવજત કરે જ. નિષ્કામ કર્મના આવા અનેક દ્રષ્ટાંતો દુનિયામાં છે.

મોટો પાંચ હજારનો પગારદાર ડિરેક્ટર ઓફ પ્રોહિબિશન દારૂબંધીનું જે કામ ના કરી શકે તેવું કામ વગર પગારે હજરત મહંમદ પયગંબરે, સહજાનંદ સ્વામીએ અને મહાત્મા ગાંધીજીએ કરી બતાવ્યું. જેણે પગાર ખાધો છે તે કામ કરી શક્યા નથી. જેણે કામ કર્યું છે તેણે પગાર કદી માંગ્યો નથી. મહંમદ પયગંબરે, જીસસ ક્રાઈસ્ટે, સહજાનંદ સ્વામીએ  અગર મહાત્મા ગાંધીજીએ સમષ્ટિના કલ્યાણ માટે નિષ્કામ ભાવે જે કામ કર્યા છે, તેને માટે તેમણે કોઈ દિવસ પગાર, પ્રમોશન, પેંશન, ગ્રેજ્યુઈટી, હકરજા કે કેજ્યુઅલ રજા - કંઈ પણ માગ્યું નથી. નિષ્કામ કર્મયોગ દ્વારા માણસ ક્રિયમાણ કર્મને કંટ્રોલ કરી શકે અને તેને સંચિત કર્મમાં જમા થવા દે નહિ અને તે જન્મમરણના ચક્કરમાં ફસાય નહિ.

હવે પ્રારબ્ધ કર્મને કેવી રીતે કન્ટ્રોલ કરવા તે જોઈએ.