બાલ્યાવસ્થામાં કરેલા કર્મો અને અભાન અવસ્થામાં, ગાંડપણમાં, દારૂ પીધેલી અગર કેફી અવસ્થામાં કરેલા કર્મમાં રાગદ્વેષની પ્રેરણા હોતી નથી. તેથી રાગદ્વેષથી પ્રેરાયા સિવાયના કર્મો સંચિત કર્મમાં જમા થતા નથી. કોઈ નાનું બાળક અગ્નિમાં હાથ નાખે તો તે દાઝે અને કર્મ તાત્કાલિક ફળ આપે. પરંતુ તે જ કર્મ પાછું ફરીથી સંચિતમાં જમા થઈને બીજી વખત ફળ આપવા ઉભું રહે નહિ.
ત્રણ વરસનો નાનો બાળક રમત કરવા ખાટલામાં કૂદતો હોય અને તે જ ખાટલામાં સુતેલા એક ત્રણ માસના બાળકના ગળા ઉપર પગ આવી જતા તે ત્રણ માસનું બાળક મરી જાય, તો તેના માટે પેલા ત્રણ વરસના બાળક ઉપર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ મુજબ ખૂનનો કેસ ચાલે નહિ, કારણકે તે કર્મમાં રાગદ્વેષ હોતો નથી. તેથી તે કર્મ સંચિતમાં પણ જમા થતું નથી. સગીર ઉંમરના બાળકે વેચાણ દસ્તાવેજ જેવું કાઈ કર્યું હોઈ તો તે કોર્ટ માન્ય રાખતી નથી.
સગીર ઉંમરના બાળકને મતદાનનો પણ અધિકાર નથી. તેવી જ રીતે કેફી અવસ્થામાં, અભાન અવસ્થામા, ગાંડપણમાં પણ નઠારી ગાળો બોલે અગર બખેડો કરે, તો તેની વિરુદ્ધ ઈ.પી. કોડની કલમ ૩૨૩, ૫૦૪ મુજબ કોર્ટમાં કેસ ચાલે નહિ. બહુ બહુ તો લોકો ભેગા થઈને તેને બરાબર ટીપે, ઝૂડી નાખે અને તે રીતે તેને તેના કર્મનું તાત્કાલિક ફળ મળે અગર તો તેની દયા ખાઈને જતો કરે. પરંતુ આવા માણસના કર્મમાં રાગદ્વેષ ના હોવાથી સંચિત કર્મમાં જમા થતા નથી.