Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૨૧. મનુષ્યેતર યોનિમાં કરેલા કર્મ


મનુષ્યયોનિ સિવાયની બીજી યોનિઓમાં કરેલા કર્મ સંચિત કર્મમાં જમા થતા નથી. કારણકે મનુષ્યયોનિ સિવાયની બીજી તમામ યોનિઓ ભોગ યોનિઓ ગણાય છે. આવી મનુષ્યેતર યોનિમાં માત્ર પૂર્વસંચિત કર્મો પ્રારબ્ધરૂપે આવીને તે ભોગવીને દેહનો છુટકારો થાય છે. તેમાં કોઈ નવા ક્રિયમાણ કર્મો સંચિત થતા નથી.

ઘોડા, ગધેડા, કુતરા, બિલાડા, પશુપક્ષી યોનિઓમાં જીવમાત્ર કુદરતી આવેગ પ્રમાણે વર્તે છે. તેથી તે યોનિઓમાં ફક્ત પ્રારબ્ધકર્મ ભોગવીને જ રહી જાય છે. તેમાં કરેલા ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ આપે છે. પછી તે સંચિતમાં જમા થતા નથી. ગધેડું કોઈને લાત મારે તો તે તાત્કાલિક બે ડફણાં ખાય પછી, તે કર્મ સંચિતમાં જમા થવાનું રહે નહિ. કૂતરું કોઈ માણસને કરડે તેથી તે માણસને હડકવા લાગે અને મરી જાય અથવા તો સાપ કોઈને કરડે અને તેથી તેનું મૃત્યુ થાય, તો કુતરા અગર સાપ ઉપર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ મુજબ ખૂનનો કેસ કોઈ કોર્ટમાં ચાલે નહિ. ઇન્ડિયન પીનલ કોડ ફક્ત મનુષ્યયોનિનાં જીવોને માટે જ લખાયેલો છે. મનુષ્યેતર યોનિના જીવોને ઇન્ડિયન પીનલ કોડ લાગુ થતો નથી. (પૂછી જોજો કોઈ સારા વકીલને)

ભેંસ, ગાય કોઈ ખેતરમાં ભેલાણ કરે અને પાકને નુકસાન કરે તો લોકો તેને તાત્કાલિક થોડા ડફણાં મારે, ઝૂડી નાખે અગર ડબ્બામાં પુરે અને તે રીતે તેના કર્મનું તાત્કાલિક ફળ ભોગવે, પછી તે સંચિત કર્મમાં જમા થવાનું રહે જ નહિ. ભેંસ, ગાય ભેલાણ કરે તો તેનો દંડ Cattle Trespass Act પ્રમાણે તેના માલિકને જ થાય. ભેંસ-ગાય ઉપર આ કાયદા મુજબ કોઈ કેસ ચાલે નહિ. આ પ્રમાણે તમામ મનુષ્યેતર યોનિના જીવો-પશુ, પક્ષી, કીડા, મંકોડા, માછલાં, જળચર, નભચર વિવિધ પ્રકારના જીવો ભોગયોનિના ગણાય છે. તેમાં નવા ક્રિયમાણ કર્મ સંચિતમાં જમા થતા નથી. અરે, દેવયોનિ પણ ભોગયોનિ ગણાય છે. દેવો પણ તેમના પુણ્યના પ્રભાવે માત્ર સુખ-ભોગો જ ભોગવે છે. તેમના ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતા નથી. જે જીવો -'પુતપાપાઃ' 'નિર્ધુત કલ્મષા:' - જેના તમામ પાપો નષ્ટ થયા છે અને સિલકમાં માત્ર પુણ્ય કર્મો જ રહ્યા છે, તે જીવો દેવયોનિ-ભોગયોનિમાં સ્વર્ગમાં જઈને દિવ્ય ભોગો ભોગવે છે અને પુણ્યનો ક્ષય થતા મર્ત્યલોકમાં પાછા ફરે છે. ત્યાં તેઓના નવા ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતા નથી. જેથી ગીતા કહે છે :

તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નન્તિ દિવ્યાન દિવિ દેવભોગાન્ |

તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલંક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ ||

 (ગીતા ૯/૨૦-૨૧)

આ પ્રકારે મનુષ્યેતર યોનિમાં કરેલા કર્મો સંચિત કર્મોમાં જમા થતા નથી.