Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૧૦. ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ

સત્વગુણી, રજોગુણી, અને તમોગુણી ત્રણે પ્રકારના જીવોની ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. કર્મનું ફળ તો ત્રણેય પ્રકારના જીવોને ચોક્કસ મળવાનું. પરંતુ

સત્વગુણી જીવ કહે છે - હું કર્મ કરીશ, ફળ મળે યા ના મળે.

રજોગુણી જીવ કહે છે - હું કર્મ કરીશ, પરંતુ ફળ નહિ છોડું.

તમોગુણી જીવ કહે છે - ફળ નહિ મળે ત્યાં સુધી કર્મ નહિ કરું.

એક માણસનો દીકરો ઓચિંતો રાત્રે બાર વાગ્યે બિમાર પડી ગયો. તે માણસ મધરાત્રે ડોક્ટરને વિઝિટે બોલાવવા ગયો. ડોક્ટર સત્વગુણી હતો. તેણે ભરઊંઘમાંથી ઉઠીને જાણ્યું કે તે માણસનો છોકરો સખત બીમાર છે. તુરત જ દવા, ઈન્જેક્શનોની બેગ લઈને વિઝિટે જવા તૈયાર થઇ ગયો. પેલા માણસે ડોક્ટરને વિઝિટ ફી સંબંધી પૂછ્યું. પરંતુ સત્વગુણી ડોકટરે કહ્યું કે વિઝિટ ફીની વાત પછી. પહેલા તમારા દીકરાનું દર્દ મને મટાડવા દો. વિઝિટ ફી તો તેને મળવાની જ છે પરંતુ

સત્વગુણી જીવ કહે છે - હું દર્દ મટાડીશ , વિઝિટ ફી મળે યા ના મળે.

આ ડોક્ટર રજોગુણી હોય તો એમ કહે કે હું દર્દ મટાડીશ પરંતુ મારી વિઝિટ ફી દસ રૂપિયા આપવી પડશે.

આ ડોક્ટર તમોગુણી હોય તો એમ કહે કે પહેલા દસ રૂપિયા વિઝિટ ફીના ધરી દો, પછી હું વિઝિટે આવું.

        ત્રણેયને વિઝિટ ફી તો મળશે જ. પરંતુ ત્રણેયની ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિમાં ફરક પડે. એટલે પેલો માણસ રાજી થઇ સત્વગુણી ડોક્ટરને દસ રૂપિયા આપે, રજોગુણી ડોક્ટર સાથે સોદાબાજી કરીને દસ રૂપિયા આપે અને તમોગુણી ડોક્ટરને જીવ કચકચાવીને દસ રૂપિયા આપે.

        સત્વગુણી, રજોગુણી, અને તમોગુણી માલ ખરીદવા જાઓ, તેમાં પણ આવું જ બને. તમે ઘી ખરીદવા જાઓ તો ઘીનો (સત્વગુણી પદાર્થનો) વેપારી કહે કે, “ભાઈ, ઘી બરાબર ચાખી જુઓ, સૂંઘી જુઓ, પસંદ પડે તો લો અને ઘી ઘરે ગયા પછી થોડું વાપર્યા પછી પણ પસંદ ના પડે તો વધેલું ઘી પાછું આપી જજો અને પૈસા લઇ જજો.”

રજોગુણી ચીજ ખરીદવા જાવ - રેડિયો, ક્રોકરી, ઇલેક્ટ્રિકનો સામાન વગેરે રજોગુણી ભૌતિક સુખના સાધનો ખરીદો તો વેપારી તેના બિલમાં છાપીને જ આપે કે માલ એક વખત લઈને દુકાનના પગથિયાં ઉતરીને ઘેર ગયા પછી માલમાં કોઈ ભાંગફોડ અગર ખરાબ નીકળશે તો માલ પાછો લેવામાં આવશે નહિ અને પૈસા પણ પાછા મળશે નહિ.

તમોગુણી ચીજ લેવા જાઓ તો તેના વેપારી પહેલા પૈસા લીધા સિવાય માલ બતાવે જ નહિ. સિનેમાવાળો એમ કહે કે ટિકિટબારીએથી રોકડા પૈસા આપીને ટિકિટો ખરીદો. પછી સિનેમામાં બેઠા પછી તમોને પસંદ પડે તો જુઓ નહિ તો ચાલતી પકડો. પૈસા તો પહેલેથી જ પડાવી લે. વૈદ્ય, વૈશ્યા અને વકીલ પહેલા પૈસા હાથમાં ના આવે ત્યાં સુધી તમારી સાથે વાત જ ના કરે. પહેલા પૈસા ધરી દો પછી જ તમારા સામું જુએ.