આવા કર્મ અકર્મ બની જાય છે અને તે કર્મો સંચિતમાં જમા થતા નથી. તેથી તેનું ફળ ભોગવવા ફરીથી દેહ ધારણ કરવો પડતો નથી. અને તેથી દેહના બંધનમાં જન્મ-મરણના ચક્કરમાં પડવું પડતું નથી. કોઈ સેશન્સ જજ ખૂનના ગુના બદલ તહોમતદારને ફાંસીની સજા કરે તો તે સેશન્જ જજ એક જીવની હત્યા બદલ ગુનેગાર ઠરતાં નથી. કારણકે સેશન્સ જજ ફાંસીની સજા કરતા હોવા છતાં તેમનામાં કર્તાપણાનું અભિમાન હોતું નથી. તે માત્ર કાયદાની મર્યાદામાં રહીને જ ન્યાયનું પાલન કરે છે. એવી જ રીતે જે માણસ માત્ર પોતાની શુભ ફરજોનું પાલન કરતો હોય તો તે જગતના કોઈ એક માણસ અગર અનેક માણસોને ગમે તેટલું નુકશાન કરતો જણાય છતાં તે કર્તાપણાના અભિમાન સિવાય કરતો હોવાથી તેને તે કર્મ બંધનરૂપ થતું નથી. એટલે ભગવાને ગીતામાં અર્જુનને હિંમતપૂર્વક કહ્યું કે, “ધર્મયુધ્ધમાં તું અનેકનો સંહાર કરીશ તો પણ તારું કર્મ તને બંધન નહિ કરે. કારણ કે તું તારું કર્મ કર્તાપણાના અભિમાન સિવાય માત્ર ફરજ તરીકે જ કરે છે.” ભગવાન કહે છે:
હત્વાઽપિ સ ઈમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે
(ગીતા - ૧૮/૧૭)
આ તત્વનો જાણકાર અને 'હું જ કરું છું' એ પ્રકારના અભિમાનરહિત જીવ ધર્મની મર્યાદામાં રહીને ન્યાય-નીતિથી જે કંઈ કર્મ પોતાની ફરજરૂપે કરે છે તે તમામ કર્મો કરતો હોવા છતાં તેનાથી લેપાતો નથી. ગીતામાં ભગવાન કહે છે:
નૈવ કિઞ્ચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્ ।
પશ્યઞ્શૃણ્વન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નન્ગચ્છન્સ્વપઞ્શ્વસન્ ॥
પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્ ॥
(શ્રીમદ્ ભગવદ્દ ગીતા - ૫/૮-૯)
જે જીવો અભિમાનવશ થઈને, 'શકટનો ભાર જ્યમ શ્વાન તાણે' - હું જ બધું કરું છું એવો મિથ્યા પ્રલાપ કરે છે અને કર્તાપણાના અભિમાનથી કર્મ કરે છે તે કર્મના ફળ તેને કાળે કરીને અનેક દેહ ધારણ કરાવે છે, અને ભોગવાવે છે. આવા અભિમાનથી જીવો મિથ્યા બકવાસ કરે છે, તે ભગવાન ગીતામાં કહી બતાવે છે:
ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ ।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ॥
અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥
આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોઽસ્તિ સદૃશો મયા ।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ॥
અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ ।
પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેઽશુચૌ ॥
(ગીતા - ૧૬/૧૩-૧૬)
અજ્ઞાનથી મોહિત થયેલા ચિત્તવાળા, મોહજાળમાં ફસાયેલા અને કામભોગોમાં આસક્ત એવા પામર જીવો ઉપર પ્રમાણે મિથ્યાભિમાન કરીને જ કર્મો કરે છે તે સંચિતમાં જમા થાય છે - અને તે અનેક જન્મોના ચક્કરમાં જીવને ફસાવે છે.