Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૨૬. ગ્રહો નક્ષત્રો પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે?

માણસનું જેવું પ્રારબ્ધ નિર્માણ થયું હોય તે પ્રકારના ગ્રહો અને નક્ષત્રો તેના જન્મ વખતે ગોઠવાયેલા હોય છે અને તેના જીવનકાળ દરમિયાન શુભ અથવા અશુભ પ્રારબ્ધ ભોગવવા પ્રમાણેની ગ્રહો અને નક્ષત્રોની ગતિ હોય છે. તેની ગણતરી કરીને માણસના જીવનકાળમાં કયો વખત સારો અથવા ખરાબ છે તે સાચું જોનારા કદાચ જાણી શકે અને ખરાબ વખતમાં માણસ જાગ્રત રહીને અગાઉથી ચેતી જઈને, તે સમય દરમિયાન શુભ કર્મોમાં વધારે પ્રવૃત થાય. આમ જ્યોતિષશાસ્ત્ર જીવને કલ્યાણકારી પ્રવૃત્તિમાં જોડવા માર્ગદર્શન આપે છે, આ પ્રમાણે જે માણસ કલ્યાણકારી પ્રવૃત્તિ કરતો હોય તેને ગ્રહો-નક્ષ્રત્રોથી ડરવાની જરૂર નથી.

રાહુ, કેતુ, ગુરુ, મંગળ, બુધ વગેરે ગ્રહો એ ઘણા મોટા પવિત્ર અને નીતિવાન, પ્રામાણિક અમલદારો કર્મના કાયદાનો અમલ(implement) કરવા નિમાયેલા છે, જે કર્મના કાયદાની મર્યાદામાં રહીને જીવને શુભ-અશુભ પ્રારબ્ધ ભોગવાવે છે પરંતુ તેમાંથી છટકવા દેતા નથી. આ ઉચ્ચ કક્ષાના પવિત્ર પ્રામાણિક અમલદારો છે, દુનિયાના બીજા કેટલાક અમલદારો જેવા લાલચુ કે લાંચિયા નથી. આખી જિંદગી મંગળવારે તમો એક ટાઈમ જમો અને શુક્રવારે નર્યા ચણા ખાઈને રહો કે શનિવારે અડદ ખાઈને રહો તો પણ પ્રારબ્ધ ભોગવવું પડે. આવા વ્રત-ઉપવાસ કરવાથી તે વખતે જીવ પાપકર્મ કરતા અટકે તેટલો તેને ફાયદો થાય, પરંતુ આ ગ્રહો-નક્ષત્રો જીવને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ મુક્તિ આપી શકે નહિ.

તમે ચોરી કરો તો તમને પોલીસ પકડી જાય. તમારે પોલીસવાળા સાથે ઓળખાણ હોય તો બે બીડીઓ પીવા આપે અગર તો તમને બે દંડા ઓછા મારે એટલું જ. પરંતુ પોલીસવાળો તમને છોડી મૂકી શકે નહિ - કદાચ જો તે તમને લાંચ લઈને અગર ઓળખાણના દાવે છોડી મૂકે તો તે પોલીસવાળો જાતે જ નોકરીમાંથી બરતરફ થઇ જાય.

ગ્રહો-નક્ષત્રો પણ મોટા પ્રામાણિક અમલદારો છે. તેમની ઉપાસના કરો તો તમને પ્રારબ્ધ ભોગવવામાં થોડી માનસિક શાંતિ આપી શકે, પરંતુ તમને પ્રારબ્ધમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરી શકે નહિ. તેમની ઉપાસના કરતા તમે સાત્વિક વૃત્તિ કેળવો તો પ્રારબ્ધ જલદ બની શકે નહિ તેટલો જ ફાયદો થાય. તમે ભાડુતી બ્રાહ્મણને બોલાવીને, તેનો પગાર નક્કી કરીને તેની પાસે તમારા વતી કોઈ ગ્રહના જાપ કરાવો અને તમે તમારી મેળે જે તે પાપકર્મ કરતા રહો તો આ ગ્રહો જરા પણ પ્રારબ્ધ ભોગવવામાં અનુકૂળતા કરી આપે નહિ. ગ્રહોની આવી કોઈ સિફારસ - કે લાગવગ કરવાનો અગર તેમને લાંચ આપવાનો વિચાર કદાપિ કરવો નહિ.

તમે હનુમાનજીની પ્રાર્થના કરો કે, “હે હનુમાન દાદા, જો તમે મને સો ડબ્બા તેલના ડાબે હાથે અપાવશો, તો હું તેમાંથી એક તેલનો ડબ્બો તમારે માથે ભગભગાવીશ.” તો હનુમાનજી એમ જ કહે કે હું એવો કાકો મટીને ભત્રીજો થવા માંગતો નથી. માટે આવી બાધા રાખીને ખોટા ફસાવું નહિ.

જે માણસ સીધી રીતે રસ્તા ઉપર ચાલતો હોય તેને ખરાબમાં ખરાબ પોલીસવાળા પણ સતાવી શકતા નથી, પણ જે માણસ રસ્તા ઉપર ચોરી કરવા નીકળ્યો હશે, તે તો પોલીસથી ડરતો જ રહેશે અને ચોરી કરશે તો પોલીસ તેને પકડ્યા વિના છોડશે નહિ.

અમદાવાદથી મુંબઈની ટિકિટ લઈને તમે ગાડીમાં બેઠા હશો તો તમે, આખી રાત સુતા સુતા સુખેથી મુંબઈ પહોંચી જશો, પરંતુ જો ટિકિટ લીધા વગર બેઠા હશો તો જેટલી વખત સ્ટેશન આવશે અને ડબ્બામાં જે કોઈ માણસ ચઢશે તેમાં તમને ટિકિટ તપાસનાર જ દેખાશે. તમે અભય પ્રાપ્ત કરી શકશો જ નહિ. માટે જે કંઈ પ્રારબ્ધ સામે આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવું, કારણ કે તમારું પ્રારબ્ધ તમે જ કરેલા ક્રિયમાણ કર્મનું પરિણામ છે અને તે તમારે નેકદીલીથી ભોગવી લેવું જોઈએ. તેમાંથી છટકવા આડોઅવળો પ્રયત્ન કરવો નહિ. શુભ કર્મમાં પ્રવૃત રહેનારને પ્રારબ્ધ ભોગવવા માટે આત્મબળ પ્રાપ્ત થાય છે જ.