ભગવાન પાસે આપણને માંગતા પણ આવડતું નથી. આપણે ભગવાન પાસેથી એવી માંગણી કરીએ છીએ કે મેં પાપકર્મ કરેલા છે તેના ફળસ્વરૂપે મારી સામે દુઃખ આપવા પ્રારબ્ધ ખડું થયું છે. તે ફળ મારે ભોગવવું ના પડે તેવું કરો. આવી ગેરવ્યાજબી માંગણી ભગવાન સ્વીકારે નહિ. પ્રારબ્ધ ભોગવવામાં ભગવાનની સિફારસ કે લાગવગર્નો ઉપયોગ ના કરાય. જગતમાં જે મહાન ભગવદ્ભક્તો થઇ ગયા છે, તેમણે તેમના પ્રારબ્ધમાં આવેલા દુઃખ પ્રેમપૂર્વક ભોગવી લીધા છે. તેથી દુનિયાની દ્રષ્ટિએ ભક્તો દુઃખી થતા જણાય છે. કુંતામાતા શ્રીકૃષ્ણની ફોઈ થતા હતા. તેમણે ઘણા કષ્ટ સહન કર્યા છે. છતાં તેમણે ભગવાન પાસે એવી માંગણી કરેલી છે કે –
વિપદ: સન્તુ ન: શાશ્વત |
અમોને સદાકાળ દુઃખ પડો. આપણે કોઈ દિવસ આવી માંગણી કરતા નથી. નરસિંહ મહેતાએ ભગવાન પાસે માંગણી કરી કે મારુ નખ્ખોદ જજો. નરસિંહ, મીરા, કુંતાજી - આ બધા ભક્તો સંસારમાંથી દુઃખી થઈને ગયા. નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો, દીકરી રાંડીને ઘેર આવી, બૈરું મરી ગયું, નાત બહાર મુકાયા. મીરા પોતાના પતિથી અલગ થઇ ગયા, પતિએ ઝેર પાયું. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પીડાયા. દેહના દંડ ભોગવી લીધા, પરંતુ આ ભક્તોએ પોતાની ભક્તિ વટાવી નથી. ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા માંગણી કરી નથી.
એક ચક્રવર્તી રાજાએ એક કંગાળ ગરીબ ભિખારીને કહ્યું કે તું મારી પાસે જે જોઈએ તે માંગ. તું જે અને જેટલું માંગીશ તે હું તને આપીશ. ત્યારે પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું કે, મારુ ભીખ માંગવાનું ચપ્પણીયું ભાંગી ગયું છે તે નવું અપાવો. રાજાને આ સાંભળીને ઘણું જ દુઃખ થયું. ભિખારીને માંગતા ના આવડ્યું. અઢળક સંપત્તિ, ઈકોતેર પેઢી ચાલે તેટલું ધન માંગ્યું હોત તો પણ રાજા આપત, પણ આ અક્કરમી ભિખારીએ ભીખ માંગવાનું નવું ચપ્પણીયું માંગ્યું!
આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માંગણીઓ કરીએ છીએ, તેથી ભગવાન નારાજ થાય છે. આપણે ભગવાન પાસે બહુ બહુ તો શું માંગીએ છીએ? પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા માંગીએ છીએ, પાંચ-પચ્ચીસ બંગલા-મોટરો માંગીએ છીએ. પાંચ દીકરાઓ માંગીએ છીએ, સુંદર સ્ત્રીઓ માંગીએ છીએ, આ બધી માંગણીઓ પેલા ભિખારીના ચપ્પણીયા જેવી છે.
કુંતાજીએ અને ભકત નરસિંહે માંગ્યું તેવું માંગતા આપણને નથી આવડવાનું. પરમાત્માએ વગર માંગ્યે આપણને મનુષ્ય દેહ આપ્યો છે. જે મોક્ષનું દ્વાર છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તે શાસ્ત્રો અને સંતો દ્વારા તેમણે સમજાવ્યું. પરંતુ આપણે પામર જીવો આપણો સ્વાર્થ સમજતા નથી. તેથી પ્રારબ્ધમાંથી છટકવાની ક્ષુલ્લક માંગણી આપણે ભગવાન પાસે કરીએ છીએ, ત્યારે ભગવાન નારાજ થાય છે. આપણે ખરેખર અભાગિયા છીએ.