Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૩૨. (૧) જ્ઞાન કેમ થતું નથી?

સંસારમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. જ્ઞાનમાર્ગમાં દેહ, ધન વૈભવ, માતાપિતા, સ્ત્રી, પુત્રાદિકમાંથી આસક્તિ છોડવી પડે છે,

શાસ્ત્રો અને સંતો કહે છે કે ગયા જન્મના માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને જેમ તમે અજ્ઞાને કરીને વિસરી ગયા છો, તેવી જ રીતે આ જન્મના માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને જ્ઞાને કરીને વિસરી જાઓ.

        ગયા અનેક જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને તમે અજ્ઞાને કરીને ભૂલી ગયા છો તે તમારી ઉપર ભગવાનની અત્યંત કૃપા ગણાય. જો તેમ ના હોત અને જો તમે તમારા ગત જન્મોના સગાઓને હાલમાં પણ જાણતા હોત અને ઓળખતા હોત તો રસ્તામાં જતું ગધેડું હોય તેને પણ તમે ગળે વળગી પડત અને કહેતા હોત કે 'આ તો મારો કાકો છે' કે 'આ તો મારો મામો છે'. ગયા જન્મની તમારી સ્ત્રી હાલમાં કુતરી કે ગધેડીના અવતારમાં હોત, તેને તમે ચાલુ ઘરમાં ઘાલી દો તો મહા ઉપાધિ થાય. પરંતુ ભગવાનની અત્યંત કૃપા છે કે તમે તમારા ગયા જન્મના સગાને  ભલે અજ્ઞાને કરીને પણ ભૂલી ગયા છો, તે ઘણું સારું થયું છે તો જેવી રીતે તમે તમારા આગળના જન્મના માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને અજ્ઞાને કરીને ભૂલી ગયા છો તેવી જ રીતે આ જન્મના માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને પણ જ્ઞાને કરીને વિસરી જાઓ. સંસારમાંથી આસક્તિ તમે જેમ જેમ હટાવતા જાઓ અને વિરક્તિ પ્રાપ્ત કરતા જાવ તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ પડવા લાગશે.

        સંસારમાં તમે આસક્ત છો કે વિરકત છો તે જાણવાનું તમારા પાસે જ બેરોમીટર છે. તમે એકલા પડો અને 'એકલતા' લાગે તો તેનું નામ ‘આસક્તિ’ અને તમે એકલા પડો અને 'એકતા' લાગે તો તેનું નામ 'વિરક્તિ'. આ બેરોમીટરથી તમે તમારું માપ જાતે જ કાઢી લઇ શકો કે તમે જ્ઞાનમાર્ગમાં જવા અધિકારી છો કે નહિ.