Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૩૪ (૧). કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ

પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગો છે : કર્મમાર્ગ, ભક્તિમાર્ગ, અને જ્ઞાનમાર્ગ. જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ 

અર્જુન કર્મમાર્ગનો અધિકારી હતો. ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઈચ્છા જણાવી, પરંતુ ભગવાને તેને યુદ્ધ સમયે સંન્યાસ લેવાની ના પડી, અને તેને કર્મમાર્ગમાં પ્રવૃત કર્યો.

વિદુરજી ભક્તિમાર્ગના અધિકારી જીવ હતા, તેથી મહાભારતના યુદ્ધ દરમિયાન તેઓને જાત્રાએ જવાની છૂટ આપી.

ઉદ્ધવજી જ્ઞાનમાર્ગના અધિકારી જીવ હતા, તેથી એકાદશ સ્કંધમાં ભગવાને તેમને જ્ઞાનમાર્ગનો ઉપદેશ કર્યો.

દરદીની નાડ પારખીને જમ વૈદ્ય એક દરદીને એવી સલાહ આપે કે તારે દહીં જ ખાવું, બીજું કઈ ખાવું જ નહિ; જ્યારે બીજા દરદીને એવી સલાહ આપે કે તું જો જરા પણ દહીં ખાઈશ તો મરી જઈશ. એ પ્રમાણે જીવ જે માર્ગનો અધિકારી હોય તે પ્રકારનો ઉપદેશ તેનું કલ્યાણ કરે. આખરે તો ત્રણે માર્ગ આગળ જતા ભેગા થઇ જાય છે. ત્રણ માંથી ગમે તે એક માર્ગ ઉપર જનારો જીવ આખરે તો પરમાત્માને જ પ્રાપ્ત કરે છે, જેમ –

સર્વદેવ નમસ્કાર: કેશવં પ્રતિગચ્છતિ |

અમદાવાદથી વડોદરા થઈને બ્રોડગેજ ઉપર દિલ્હી જઈ શકાય અને અમદાવાદથી મહેસાણા થઈને મીટરગેજ ઉપર થઈને દિલ્હી જઈ શકાય. રસ્તો બ્રોડગેજનો હોય કે મીટરગેજ હોય, પરંતુ બંને રસ્તા છેવટે દિલ્હીમાં ભેગા થઇ જાય.

જનકાદિ રાજાઓ કર્મમાં પ્રવૃત થયા. નરસિંહ, મીરા, ગોપીઓ ભક્તિમાર્ગમાં ગયા, જયારે ઉદ્ધવ, અક્રૂર, શંકરાચાર્ય જ્ઞાનમાર્ગ ઉપર ગયા. જે જેનો જેવો અધિકાર. નરસિંહ ભક્તિમાર્ગ ઉપર ગયા પરંતુ આખરે ભક્તિમાર્ગ આગળ જતા જ્ઞાનમાર્ગ સાથે ભેગો થઈ જાય છે. નરસિંહ ભક્તિમાર્ગમાં હોવા છતાં તેમના પદોમાં નર્યું જ્ઞાન નીતરે છે તે જુઓ:

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે

વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ ન હોયે,

ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે

કર્મમાર્ગ એ બ્રોડગેજનો રસ્તો છે, ધોરી રાજમાર્ગ છે. ભણેલો, અભણ, વિજ્ઞાની, બધી જ કક્ષાના જીવો આ રાજમાર્ગ ઉપર આંખો મીંચીને ચાલે તો પણ પડવાનો ભય નથી. શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે ન્યાય, નીતિ, ધર્મથી પોતાનું નિયત કર્મ કરતા કરતા જીવનનું એકે-એક કર્મ ભક્તિ બની જાય છે. હજામત કરતા કરતા, કસાઈનો ધંધો કરતા કરતા, ગોરા જેવો કુંભારનો ધંધો કરતા કરતા પણ અનેક ભક્તો કર્મમાર્ગમાં ન્યાય, નીતિ, ધર્મથી, શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે વર્તીને તેમના પ્રત્યેક કર્મને તેઓ ભક્તિમય બનાવી શક્યા છે. જ્યાં તેમની પ્રત્યેક ક્રિયા ભક્તિમાં પરિવર્તિત થઇ જાય છે.

ભગવાન શંકરના શિવલિંગ ઉપર મંત્ર બોલીને પચાસ કળશા પાણી ઢોળતા ના આવડે તો કઈ નહિ પરંતુ તે કળશા પાણી વડે માતા પોતાના ગંદા થયેલા બાળકને નવડાવીને શુદ્ધ કરે અને બાળકને નવડાવતી વખતે એવી ભાવના કરીને કે હું ભગવાન શંકરને અભિષેક કરી રહી છું, તો તે વખતે પોતાના ગંદા બાળકને નવડાવવાની ક્રિયા ભગવાન શંકરની ભક્તિ બની જાય છે. પરંતુ જો તે આખો દિવસ શિવલીંગ ઉપર કળશ ઢોળ્યાં કરે અને પોતાના બાળકને ગંદુ રાખે તો તેને શંકરની ભક્તિનું કઈ ફળ પ્રાપ્ત થાય નહિ.

કર્મ માર્ગ ધોરીમાર્ગ છે. ભક્તિમાર્ગ તેનાથી અઘરો માર્ગ છે. ભક્ત થવા માટે ગીતાના બારમા અઘ્યાયનાં છેલ્લા શ્લોકોમાં આપ્યા મુજબ ભક્તિના લક્ષણો પ્રાપ્ત કરવા પડે.

જ્ઞાનમાર્ગ તદ્દન ટૂંકો પરંતુ ઘણો જ અટપટો માર્ગ છે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે:

જ્ઞાન પંથ કૃપાણ કે ધારા

જ્ઞાનમાર્ગ પર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાનમાર્ગ ઘણો જ ટૂંકો છે, પરંતુ અટપટી ગલીકૂંચીઓવાળો માર્ગ છે. તેમાં જવા માટે સાથે ગલીકૂંચીઓનો જાણીતો ભોમિયો હોય તો જ જવાય, નહિ તો ગલીકૂંચીઓની બહાર નીકળતા પણ ના આવડે, ગુંચવાઈ જવાય. તેમ જ્ઞાનમાર્ગે જવા માટે તેનો જાણકાર સમર્થ સદ્ ગુરુ જોઈએ.