મનુષ્યયોનિમાં પરમાત્માએ જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.
મનુષ્યેતર યોનિમાં એટલે કે મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે મનુષ્યેતર બીજી તમામ યોનિઓ ભોગ-યોનિઓ છે. મનુષ્યેતર યોનિઓમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. તેમાં નવા ક્રિયમાણ કર્મો સંચિતમાં જમા થતા નથી. તે આપણે અગાઉ પેરા ૧૯(૩) માં જોઈ ગયા છીએ.
મનુષ્ય સજ્જન થવાને સ્વતંત્ર છે એટલું જ નહિ, પરંતુ તેને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના ખર્ચે, હિસાબે, અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરાવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જૂઠું બોલવું હોય તો જૂઠું બોલવા માટેની પણ સ્વતંત્રતા છે. અરે, મનુષ્ય યોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જયારે પશુ-પક્ષી-યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને પરમાત્માએ સંપૂર્ણ સ્વતંત્ર બનાવ્યો છે.
મનુષ્ય યોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી કોઈ યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલા વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિમંત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જૂઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ એની વિશિષ્ટતા છે. જૂઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારીની પ્રતિષ્ઠા છે.
માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે, પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે - તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય.
એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી અમેરિકામાં રહેતા હેનરી ફોર્ડે જયારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી જ મોટરો એક જ રંગની - કાળા રંગની બનાવી. પછી તેણે સેલ ડેપો - વેચાણની દુકાન - ઉપર ગ્રાહકોંને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે –
“You can choose any colour you like, provided it is black.”
'તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ'
બધી ગાડીઓ કાળા રંગની જ હતી. બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પુરેપુરી હતી. તમે ગમે તે રંગ પસંદ કરો પણ પાછળ શરત એટલી કે તે કાળો હોવો જોઈએ.