ચોરી એક કળા છે, નૈતિકતાની દ્રષ્ટિએ વિચાર ના કરીએ તો ચોરી એક જબરદસ્ત અઘરી કળા છે. ચોરીનો અર્થ એ છે કે એવી રીતે કાંઈક કરવું કે સંસારમાં ક્યાંય કોઈને કશી પણ ખબર ના પડે. ખબર પડી જાય તો ચોર ડભોળ કહેવાય.
મારા ઘરમાં ચોર પેસે છે. ધોળા દિવસે પુષ્કળ અજવાળામાં પણ જે ચીજ મને ખોળવી મુશ્કેલ પડે તે રાત્રે અંધારામાં અને તે પણ અજાણ્યા ઘરમાં જરા પણ અવાજ કર્યા વગર ચોર તે વસ્તુને ખોળી કાઢે છે અને મને તેની ખબર પણ પડતી નથી અને જો ચોર કદાચ તેની કશીક નિશાની મુકતો જાય તો ચોર હજુ કાચો છે, શિખાઉ છે તેમ ગણાય. હજુ તે પાકો ચોર ના ગણાય.
એવી જ રીતે પરમાત્માનો પ્રકાશ - જ્ઞાન મેળવવું તે પણ એક પ્રકારની અલૌકિક ચોરી છે જો કોઈને ખબર પડી જાય કે તમે સત્યની ખોજમાં છો તો તે ખબર પડી જવી તે પણ સત્યની ખોજમાં બાધકરૂપ છે.
જીસસ ક્રાઈસ્ટ કહે છે કે તમારો ડાબો હાથ શું કરે છે તે તમારા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ અને તમારી પ્રાર્થના પણ એટલી મૌન હોવી જોઈએ કે પરમાત્મા સિવાય બીજા કોઈને તે સંભળાય નહિ,
આપણી પ્રાર્થનાઓ તો પરમાત્માને સંભળાતી હશે કે કેમ, પરંતુ આડોશપાડોશમાં અને મહોલ્લામાં તો સંભળાતી હોય છે. કદાચ પરમાત્માને સંભળાય કે નહિ તેની આપણને કંઈ પડી નથી, પરંતુ પાડોશી સાંભળે તે ખાસ જરૂરી અને ઉપયોગી છે તેવું માનીને આપણે જોરશોરથી અને ઊંચા અવાજે બરાડા પાડીને પ્રાર્થના ગાઈએ છીએ.
માણસ ધર્મ-પુણ્ય ઢોલ વગાડીને કરે છે અને અધમ-પાપ ચોરીછૂપીથી કરે છે.
સંતો અને શાસ્ત્રો કહે છે કે જેમ તમે પાપ ચોરીછૂપીથી સંતાઈને કરો છો તેવી રીતે ધર્મ-પુણ્ય પણ છાનામાના ચોરીછૂપીથી કરો. સંતો અને શાસ્ત્રો આ ઉંધી વાત કરતા હોય તેમ લાગે છે પણ તે ઉંધી વાત નથી. તે બરાબર કહે છે કે પાપ ઉઘાડેછોક કરવા જશો તો તમે કદાપિ નહિ કરી શકો.
જે તમારે નથી કરવું છતાં કર્યું તેમ દેખાડો કરવો છે તે તમે ઢોલ વગાડીને જગજાહેર કરો છો અને જે તમારે ખરેખર કરવું જ છે તે તમે ચોરીછૂપીથી કોઈને પણ ખબર ના પડે તેવી રીતે એકદમ કરી નાખો છો અને આમ કરવામાં જ તમે ગોથું ખાઓ છો.
તમારે પાપ ખરેખર ના કરવું હોય તો તમે તે પાપ ઉઘાડેછોગ કરવા માંડો તો તમે તે પાપ કરી શકશો જ નહિ અને તમારે પુણ્ય પણ ખરેખર ના કરવું હોય અને માત્ર ધોખાબાજી કરવી હોય તો તે પણ તમે ઉઘાડેછોગ કરો અને પછી જુઓ કે તમે લોકોને મૂર્ખ બનાવી શકશો. ડોળ કરી શકશો પરંતુ તે સાચા અર્થમાં પુણ્ય નહિ કહી શકાય. પરંતુ લોકો જાણે કે તેમને પાપ કરવું જ છે તેથી તે ચોરીછૂપીથી કરી લે છે. જયારે તેમને પુણ્ય કરવું નથી, માત્ર પ્રચાર કરવો છે, દંભ-ડોળ કરવો છે તેથી તે ઢોલ વગાડીને જગજાહેર કરે છે.