કર્મનો સિદ્ધાંત
૪૧ (૧) અકર્મ- કર્મ - વિકર્મ
કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. ભગવાન ગીતામાં કહે છે કે -
કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥
(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૪/૧૭)
કર્મની ગતિ ગહન છે તેવું કબુલ કરીને ભગવાન કહે છે કે -
કર્મણઃ ગતિ: બોધવ્યમ
વિકર્મણઃ ગતિ: બોધવ્યમ
અકર્મણશ્ચ ગતિ: બોધવ્યમ |
કર્મની ગતિ જાણી લેવી. વિકર્મની ગતિ જાણી લેવી. અકર્મની ગતિ પણ જાણી લેવી. કારણ કે કર્મની ગતિ ગહન છે.
આ બાબતમાં ભગવાનનો અભિપ્રાય વાસ્તવમાં શું છે તે જાણવો ઘણો જ કઠણ છે. તેથી જુદા જુદા ભાષ્યકારોએ આ ત્રણ શબ્દોના જુદા જુદા અર્થ તેમના મંતવ્ય પ્રમાણે કરેલા છે. સાધારણ રીતે વિદ્વાનોએ કર્મ, અકર્મ અને વિકર્મનો જે સર્વસામાન્ય અર્થ કરેલો છે તે જોતા જણાય છે કે -
૧. આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ 'કર્મ' (Prescribed action) કહેવાય
૨. જેનું ફળ આ લોકમાં ને પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ વિકર્મ (prohibited action) કહેવાય.
૩. જે કર્મ અગર કર્મત્યાગ કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ના બને તે અકર્મ (inaction) કહેવાય.
સાધારણ રીતે આપણે તો મન, વાણી અને શરીરથી થતી તમામ ક્રિયાઓને કર્મ કહીએ છીએ અને તેથી કરીને કર્મ, વિકર્મ અને અકર્મના અર્થ સમજવામાં તકલીફ પડે છે. એટલે તો ભગવાન પણ ગીતામાં કહે છે કે
કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।
(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૪/૧૬ )
કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં તો મોટા મોટા બુદ્ધિમાન પુરુષો પણ ગોથું ખાઈ જાય છે કારણ કે તેની ગતિ ગહન છે.
આ ઉપરથી લાગે છે કે માત્ર મન, વાણી અને શરીરની સ્થૂળક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિકર્મ અગર અકર્મ નથી પરંતુ કર્તાની ભાવનાને અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત કર્મ - વિકર્મ અગર તો અકર્મના રૂપમાં પરિણીત થતી હોય છે.
આ વાત નીચેના દ્રષ્ટાંતોથી સમજી શકાશે.
1. કર્મ:
સાધારણ રીતે મન - વાણી - શરીરથી થતી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને જ કર્મ કહેવાય. પરંતુ શાસ્ત્રવિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદા જુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે અને તેથી જ તે ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત 'કર્મ' ને બદલે 'વિકર્મ' અગર 'અકર્મ' બની જાય છે. દાખલા તરીકે -
ફળની ઈચ્છાથી શુદ્ધ ભાવપૂર્વક જો શાસ્ત્રસંમત વિધિથી ઉત્તમ કર્મ કરાય તો તે 'કર્મ' કહેવાય. પરંતુ,
તે કર્મ ફળની ઈચ્છાપૂર્વક યજ્ઞ, તપ, દાન, સેવાના રૂપમાં વિધેય કર્મ છતાં ખરાબ દાનતથી પ્રજાનું અનિષ્ટ કરવાની ઈચ્છાથી ( પરસ્યોતસાદનાર્થ) કરવામાં આવે તો તે કર્મ તમોગુણ-પ્રધાન હોવાથી વિકર્મ બની જાય છે, પરંતુ.
તે જ કર્મ જો કર્તાપણાના અભિમાન સિવાય અંગત રાગદ્વેષથી પ્રેરાયા વિના, સમષ્ટિના કલ્યાણ માટે ભગવત પ્રીત્યર્થે કરવામાં આવે તો તે 'કર્મ' 'અકર્મ' બની જાય છે.
૨. વિકર્મ
સાધારણ રીતે મન-વાણી-શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે નિષિદ્ધ કર્મ 'વિકર્મ' કહેવાય છે. પરંતુ આવા વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર કર્મ અગર અકર્મમાં બદલાઈ જાય છે.
દા.ત.
આ લોક અગર પરલોકમાં ફળ મળવાની ઈચ્છાપૂર્વક સાચી દાનતથી, શુદ્ધ ભાવથી, જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા (જે દેખીતી રીતે દુનિયાની દ્રષ્ટિએ વિકર્મ ગણાય) તે ગીતાની ભાષામાં 'કર્મ' કહેવાય. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જૂઠું બોલવાની બોલવાની પ્રેરણા કરી, અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા પોતાના જ દાદા ભીષ્મની હિંસા કરી, શ્રીકૃષ્ણે સ્યમંતક મણિ તથા ગોકુળમાં માખણની ચોરી કરી છતાં આ ક્રિયાઓ વિકર્મમાં નહિ ગણાતા 'કર્મ'માં બદલાઈ જાય છે.
કર્તાપણાના અભિમાન સિવાય રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરેલું 'વિકર્મ' પણ 'અકર્મ' બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ 'વિકર્મ' કહેવાય છતાં શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞાનો ભંગ કરીને યુદ્ધમાં શસ્ત્ર (રથચક્ર) પકડીને ભીષ્મ જેવા સત્યપ્રતિજ્ઞને મારવા દોડ્યા તે વિકર્મ નહિ પરંતુ 'અકર્મ' (inaction) ગણાય.