Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

૯. કર્મ ફળ આપીને જ શાંત થાય

ધારો કે એક માણસે પાપકર્મ કર્યું. તેના ફળસ્વરૂપે તેનું એક દિવસ ભૂખ્યા ટીચાવવાનું પ્રારબ્ધ નિર્માણ થયું. આ પ્રારબ્ધ તેને કોઈ પણ સંજોગોમાં છોડે નહિ. પ્રારબ્ધ ભોગવ્યા સિવાય ક્રિયમાણ કર્મ શાંત થાય જ નહિ.

હવે જો તે સત્વગુણી હોય તો તે એકાદશીનું વ્રત કરે, આખો દિવસ નારાયણનું સ્મરણ કરે, અને ઉપવાસ કરે અને તે પ્રમાણે તે પ્રારબ્ધ ભોગવી લે.

જો તે માણસ રજોગુણી હોય તો એક દિવસે તેની બૈરી-છોકરાં બધા માંદા પડે, તેમને દવાખાને લઇ જાય, બાર વાગ્યા સુધી દવાખાનામાં ભરાઈ પડે. પછી ભૂખ્યો-તરસ્યો મોડો મોડો ઓફિસમાં નોકરીએ દોડી જાય, રાત્રે મોડો ઘેર આવે તો બૈરી-છોકરા વધારે બીમાર દેખે. તેમની સેવા કરતા કરતા ભૂખ્યો રાત્રે સુઈ જાય અને તે એક દિવસ ભૂખ્યે ટીચાવવાનું પ્રારબ્ધ ભોગવી લે.

જો તે માણસ તમોગુણી જીવ હોય તો તે બપોરે જમવા બેસતા જ રસોઈ ખરાબ થઇ છે તેમ કહીને થાળી પછાડીને બૈરી સાથે ઝગડો કરે, મારઝૂડ કરીને ભૂખ્યો-તરસ્યો ઓફિસે નોકરીએ જાય, ત્યાં પણ બધા સાથે ઝગડે. રાત્રે ફરી પાછો ઘેર આવી બૈરી-છોકરાને મારઝૂડ કરીને ભૂખ્યા સુઈ રહેવાનું કરે અને તે એક દિવસ ભૂખ્યા ટીચાવવાનું પ્રારબ્ધ ભોગવી લે.

સત્વગુણી જીવ વ્રત-ઉપવાસ કરીને એક દિવસ ભૂખ્યા રહેવાનું પ્રારબ્ધ ભોગવી લે અને સાથે સાથે પુણ્ય પ્રાપ્ત કરી લે, જેનાથી તેનું નવું ક્રિયમાણ બંધાય.

રજોગુણી જીવ બૈરી-છોકરાની સેવા-ચિંતામાં એક દિવસ ભૂખ્યો રહી પ્રારબ્ધ ભોગવી લે. તે ન તો નવું પુણ્ય પેદા કરે, ન તો નવું પાપ પ્રાપ્ત કરે.

તમોગુણી જીવ કલેશ, કંકાશ, કકળાટ દ્વારા એક દિવસ ભૂખ્યો ટીચાય અને તે રીતે પ્રારબ્ધ ભોગવી લેતા થોડું નવું પાપ પણ પેદા કરે જેથી કરીને તેનું એક નવું ક્રિયમાણ કર્મ બને, તે ફરીથી પાકીને પ્રારબ્ધ બનીને સામે આવે.

ક્રિયમાણ કર્મ પાકીને ફળસ્વરૂપે પ્રારબ્ધ થઈને સામું આવે તે ભોગવવું જ પડે. પરંતુ સત્વગુણી જીવ, રજોગુણી જીવ અને તમોગુણી જીવ, ત્રણેયની પ્રારબ્ધ ભોગવવાની રીત ઉપર જણાવ્યા પ્રમાણે અલગ અલગ હોય છે.

ધારો કે મેં એક પવિત્ર કર્મ કર્યું, તેના ફળ સ્વરૂપે પાકીને પાંચસો રૂપિયા મળવાનું મારુ પ્રારબ્ધ નિર્માણ થયું. આ પ્રારબ્ધ હું જ્યાં સુધી ભોગવું નહિ ત્યાં સુધી આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે. મને પાંચસો રૂપિયા મળે ત્યારે જ તે પ્રારબ્ધ ફળ ભોગવાવીને શાંત થાય.

એક દિવસ રાત્રે બાર વાગ્યે એક માણસ મારે ઘેર આવીને મારા રૂમની સાંકળ ખખડાવીને મને ઉઠાડે અને મને કહે કે આ પાંચસો રૂપિયા (લાંચના) લો અને મારા બાપની જમીનમાંથી મારા ભાઈનો હક ડુબાડીને એ બધી જમીન મારા ખાતે દાખલ કરી દો. જો હું તમોગુણી જીવ હોઉં તો આ પાંચસો રૂપિયા લઇ તેની ગેરકાયદેસરની માંગણી પ્રમાણે તેને લાભ કરી આપું. એ પ્રમાણે મારુ પ્રારબ્ધ પાંચસો રૂપિયા મેળવવાનું મેં ભોગવી લીધું અને મારુ પહેલું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ બનીને ફળ આપીને શાંત થઇ ગયું. પરંતુ સાથે સાથે મેં એક નવું પાપકર્મ પેદા કર્યું, જે કર્મ પાકીને પ્રારબ્ધરૂપે એક દિવસ મારા સામે અવશ્ય આવશે જ અને મારે તે ભોગવવું જ પડશે.

હવે જો હું તમોગુણી જીવ ના હોઉં તો હું પાંચસો રૂપિયા લાંચના લેવાની સ્પષ્ટ ના પાડું. તો પણ આ પાંચસો રૂપિયા કોઈ પણ પ્રકારે મને અપાવ્યા સિવાય મારુ ક્રિયમાણ કર્મ પ્રારબ્ધરૂપે મને ફળ આપ્યા સિવાય શાંત થાય જ નહિ. આ પાંચસો રૂપિયા મારી પાછળ પાછળ ભમ્યા જ કરે. એક દિવસ ગરજવાળો માણસ મારી પાસે આવે અને મારુ મકાન મેં ૩૦૦૦ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું છે તેના રૂપિયા ૩૫૦૦ મને આપીને સોદો કરે છે. આ રીતે હું રજોગુણી હોઉં તો મને પાંચસો રૂપિયા અપાવીને મારુ ક્રિયમાણ કર્મ પ્રારબ્ધરૂપે મને ફળ ભોગવાવીને શાંત થાય.

પરંતુ જો હું રજોગુણી જીવ ના હોઉં તો હું વચનથી બંધાયા પ્રમાણે ૩૦૦૦ રૂપિયાથી વધુ રકમ લેવાનો ઇન્કાર કરું અને તે પ્રમાણે પાંચસો રૂપિયા વધારાના લેવાની ના પાડું. તે વખતે મારુ પ્રારબ્ધ પાછું ઠેલાય તો પણ આ પાંચસો રૂપિયા મને પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મારુ ક્રિયમાણ કર્મ મારો છાલ છોડે નહિ.

હું એસ.ટી. બસનો કંડક્ટર છું. એક પેસેન્જર તેની એક લાખ રૂપિયાની થેલી મારી બસમાં ભૂલી ગયો. તે થેલી લઈને હું તેને ઘરે આપવા ગયો. તેના બદલામાં ઘણા પ્રેમ અને આગ્રહપૂર્વક તેણે મને પાંચસો રૂપિયા ઇનામ તરીકે આપ્યા અને સત્વગુણી જીવ હોવાથી આપેલા પૈસાનો મેં સ્વીકાર કર્યો, અને તે રીતે મારુ પાંચસો રૂપિયા મેળવવાનું પ્રારબ્ધ ભોગવી લીધું. સાથે સાથે મેં થોડું પુણ્ય પણ પેદા કરી લીધું. આ પ્રમાણે ગમે તે રીતે પાંચસો રૂપિયા અપાવ્યા પછી જ મારુ પહેલાનું ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ રૂપે ફળ આપીને શાંત થયું.

જો હું તમોગુણી જીવ હોઉં તો લાંચ લઈને મારુ પ્રારબ્ધ ભોગવું.

જો હું રજોગુણી જીવ હોઉં તો સોદાબાજી કરીને પ્રારબ્ધ ભોગવું.

જો હું સત્વગુણી જીવ હોઉં તો કોઈની આંતરડી ઠારીને પ્રારબ્ધ ભોગવું.

ઉપર પ્રમાણે સત્વગુણી, રજોગુણી અને તમોગુણી જીવની પ્રારબ્ધ ભોગવવાની રીત જુદી જુદી હોય છે. પરંતુ તે ત્રણેય પ્રકારના જીવોને પ્રારબ્ધ તો ભોગવવું જ પડે, અને તો જ કર્મ શાંત થાય.