મૃત્યુનું માહાત્મ્ય
૩. જીવીએ ત્યાં લગી જીવવાનું દુઃખ
બીજું દુઃખ જીવીએ ત્યાં લગી જીવવાનું છે. આ દુઃખનો અનુભવ તો આપણે બધા દરરોજ કરીએ જ છીએ. રામલો (નોકર) અગાઉથી પગાર લઈ જાય છે તો પણ ટાઇમસર આવતો નથી. ગૅસનો બાટલો મેળવવા અનેક ધક્કા ખાવા પડે છે. દરેક વસ્તુઓમા મોંઘવારી વધતી જાય છે, ખર્ચા - દેખાદેખી વધતા જાય છે; તેના હિસાબે આવક ટૂંકી પડે છે; દીકરાને કોલેજમાં એડમિશન મળતું નથી. વેવાઈ, વેવાણો, પાડોશીઓ સાથે મન ઉંચા રહે છે. દીકરાઓ કહ્યામાં રહેતા નથી, જમાઈઓ આડા ફાટે છે; શરીરમાં બધા રોગ ભરાયા છે. - વગેરે અનેક ઉપાધિઓ અને કાથાકબલા જીવનમાં વારાફરતી સતત સતાવતા જ રહે છે. સુખને માટે કાયમ ફાંફા મારવા છતાં દુઃખ વગર - નોતરે આવી આવીને ખોળામાં પડે છે. આ બધા જીવીએ ત્યાં લગી જીવવાના દુઃખોનો આપણે દરરોજ અનુભવ કરીએ જ છીએ. તેથી તેનું વધારે વર્ણન કરવાની જરૂર નથી. ખરેખર તો જેને જીવન જીવતા નથી આવડતું તે લોકો આ બધા દુઃખોનો બોજો વેંઢારે છે.