મૃત્યુનું માહાત્મ્ય

૧૧. મૃત્યુના ફાયદા

(૧) પાપીને પાપ કરતો અટકાવે છે.

આ જગતમાં અનેક પાપીઓ અનેક પ્રકારના ભયંકર પાપ કરતા હોય છે જેને કોઈ રોકી શકતું નથી. કંસ - રાવણ - દુર્યોધન - શકુની - હિટલર - ચંગીઝખાન જેવા અનેક પાપી જીવો આ જગતમાં આવી ગયા જેમને આ જગતમાં અનેક ભયંકર અત્યાચારો અને પાપો કરેલા છે. જેમને તેમના જમાનામાં પાપ કરતા રોકવાની કોઈની તાકાત નહોતી. તે વખતે એક માત્ર મૃત્યુદેવે (કાલસ્વરૂપ પરમાત્માએ) તેમને પાપ કરતા અટકાવ્યા. જો તેઓ મૃત્યુ ન પામ્યા હોત અને જીવતા રહ્યા હોત તો કોઈની તાકાત નહોતી કે તેમને પાપ કરતા રોકી શકે અને તે સ્થિતિમાં અત્યાર સુધીમા તેમના પાપોની હદ ના રહી હોત અને તેમને પણ તેમના પાપોમાંથી મુક્ત થવાનો કોઈ આરો જ ના રહેત.

પરંતુ મૃત્યુએ તેમની ઉપર કૃપા કરીને તેમને પાપ કરતા અટકાવ્યા અને પાપ કરવાના સાધનરૂપ જે શરીર હતું તે શરીર મૃત્યુએ છોડાવી દીધું. આવા પાપી જીવાત્માઓને તેમના પાપોનું પ્રાયશ્ચિત્ત કરાવવા માટે તેમને અનેક યાતનાઓ ભોગાવાવડાવીને તેમને વિશુદ્ધ કરવાની વ્યવસ્થા પણ કાળદેવ કરે છે. પાપીઓ પ્રત્યેની આવી ઉપકારક પ્રવૃત્તિ માત્ર મૃત્યુદેવ જ (એટલે કે કાલસ્વરૂપ પરમાત્મા જ) કરી શકે. મૃત્યુનો આ મોટામાં મોટો ફાયદો છે.

પાંચસો રૂપિયે મીટરના ભાવના કાપડનો બુશ્કોટ ખુબ પ્રેમથી સીવડાવ્યો હોય અને તે બુશ્કોટ આપણને ઘણો જ પ્રિય હોય તો પણ જો તે બુશ્કોટ પુષ્કળ મેલો અને ગંદો થઇ જાય તો આપણે તેણે અત્યંત દાહક એવા કોસ્ટિક સોડા ભેળવેલા ઉકળતા પાણીમાં ઝબોળીને ધોકરણાથી ખુબ ઝૂડીને તેનો મેલ કાઢી નાખીને તેને બિલકુલ સ્વરછ બનાવી દઈએ છીએ. તેવી જ રીતે દરેક જીવાત્મા પરમાત્માને અત્યંત વહાલો હોવા છતાં જો કોઈ જીવાત્મા પાપ કરતો હોય અને તેનું અંતઃકરણ પાપોથી અત્યંત મલિન થઇ ગયું હોય તો મૃત્યુ તેને પાપોના સાધનરૂપ પાપમય શરીરથી છોડાવીને પ્રાયશ્ચિત્તરૂપ અનેક યાતનાઓથી પસાર કરાવીને તેને શુદ્ધ બનાવે છે.

મૃત્યુ (કાળરૂપ પરમાત્મા) આ રીતે અત્યંત કરુણાવશ થઈને જીવાત્માનું કલ્યાણ કરે છે અને આવી રીતે પાપીને પાપ કરતો અટકાવે છે. પાપીને વધારે પાપ કરતો અટકાવવામાં કોઈ પણ સત્તા સમર્થ ના હોય તે વખતે મૃત્યુ આ કામ જીવન કલ્યાણ માટે કરે છે. આ પ્રમાણે મૃત્યુ ઘણું જ ઉપકારક છે.