મૃત્યુનું માહાત્મ્ય

૧૧. મૃત્યુના ફાયદા

(૨) પુણ્યશાળી જીવાત્માને વધારે પુણ્યશાળી કર્મો કરવાની નવીન તકો ઉભી કરી આપે છે.

કેટલાક પુણ્યશાળી જીવાત્માઓને અનેક પ્રકારના પુણ્યકર્મો કરવાની કામના, ધગશ અને ઉત્સાહ હોય છે, પરંતુ તેમનું શરીર આવા પુણ્યકર્મો કરવાની ક્ષમતા ધરાવતું હોતું નથી. કેટલાકને તેમની સામાજિક પરિસ્થિતિ અવરોધરૂપ હોય છે. કેટલાકની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે આવા પુણ્યકર્મો કરવામાં રુકાવટ આવે છે. કેટલાકને જાતિ -જ્ઞાતિ - વર્ણાશ્રમ - નાગરિકતાના ભેદને લીધે પુણ્યકર્મો કરવામાં તકલીફ ઉભી થાય છે. કેટલાકથી દેશ - કાળ - ભાષા - શિક્ષણ - સંસ્કારની પરિસ્થિતિને કારણે ધાર્યા મુજબના પુણ્યકર્મો થઇ શકતા નથી. આવી બધી અડચણોથી ઉપરવટ થવાનું આ જીવનમાં અને આ દેહે કરીને તેમને માટે શક્ય હોતું નથી. તેમ છતાં પુણ્યકર્મો કરવાની તેમની અદમ્ય ઈચ્છાને તેઓ રોકી શકતા નથી. તેમનો આત્મા વિકસિત થતો જાય છે, જયારે તેમને મળેલું શરીર તેમને ટૂંકું પડે છે.

દેશ - કાળ - ભાષાના ભેદ તથા કૌટુંબિક - સામાજિક - આર્થિક - શારીરિક વગેરે વિષમ પરિસ્થિતિઓ તેમની ઉદાત્ત પુણ્યશાળી ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે પૂરતી તકો આપી શકતી નથી. તેમનો પુણ્યશાળી આત્મા પૂર્વજન્મના પુણ્યોના પ્રતાપે વિકસિત અને શક્તિશાળી બનતો જાય, પરંતુ આ જન્મની પરિસ્થિતિ તેને પુણ્યકર્મો કરવાની પૂરતી તકો પુરી પડી શકે તેમ નથી. Ability without an opportunity has no value. આમ છતાં આ જન્મના ચાલુ દેહમાં આવી અટકાવની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે.

છોકરો મોટો થઇ ગયો છે અને ચડ્ડી ટૂંકી પડે છે. 'હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું' એવો ઘાટ છે. અને આ ટૂંકા પડતા દેહની આનુષંગિક પરિસ્થિતિ તેના આત્માના વિકાસમાં અને પુણ્યકર્મો કરવાની તકો ઝડપી લેવામાં અવરોધરૂપ બનીને ઉભી રહે છે.

આવા સંજોગોમાં મૃત્યુ (કાલસ્વરૂપ પરમાત્મા) તેને ટૂંકા પડતા આ ચાલુ દેહથી છુટકારો અપાવીને તેની ઈચ્છા મુજબ પુણ્યકર્મો કરવાની તકો સહેલાઈથી મળી શકે તેવા વિશાળ ક્ષેત્રવાળા જાતિ - કુળ - ધર્મ - દેશમાં તેને નવીન શક્તિશાળી દેહની પ્રાપ્તિ કરાવે છે. આવું કામ કરવાનું મૃત્યુદેવ સિવાય બીજા કોઈનું ગજું નથી. મૃત્યુ આ રીતે ઘણું જ ઉપકારક છે. આ મૃત્યુનું માહાત્મ્ય છે.