અનાદિ કાળથી અનેકાનેક જન્મોમાં જીવાત્મા અનેક પ્રાણી-પદાર્થ-વસ્તુ-વ્યક્તિઓ સાથે અનેક પ્રકારના રાગદ્વેષ પેદા કરે છે. અને અનેક પ્રકારની લેણદેણો - ઋણાનુબંધો ઉભા કરતો ફરે છે. આ તમામ લેણદેણો - ઋણાનુબંધો અને તેનાથી એકઠા થયેલા કરોડો હિમાલય ભરાય તેટલા સંચિત કર્મોમાંથી મુક્ત થવા માટે તેણે અનેકાનેક જન્મો એક પછી એક લેવા પડે છે. માત્ર એક જ જીવનકાળ દરમિયાન આટલા બધા સંચિત કર્મો સમાપ્ત થઇ શકે નહિ.
ચાલુ જીવનકાળ દરમિયાન જેટલા ઋણાનુબંધો - લેણદેણો - સંચિત કર્મો પાકીને પ્રારબ્ધ રૂપે સામે આવીને ઉભા હોય તેટલા પ્રારબ્ધ કર્મો, લેણદેણો અને ઋણાનુબંધો તેને ચાલુ જીવનકાળ દરમિયાન સમાપ્ત કરવા જ પડે. અને તે પ્રમાણે બધા સમાપ્ત થયા પછી બીજા જે સંચિત કર્મો - ઋણાનુબંધો - લેણદેણો પાકીને નવા પ્રારબ્ધ રૂપે તૈયાર થઈને ઉભા હોય તેને માટે તો જીવાત્માને ચાલુ દેહ છોડીને બીજો નવો દેહ જ પકડવો પડે, જ્યાં તેને તે નવા પ્રારબ્ધ કર્મો ભોગવવા માટેની નવીન તકો મળી શકે.
એટલા માટે ચાલુ દેહનું કામ પતી ગયા પછી નવો દેહ આપવાની વ્યવસ્થા એક માત્ર મૃત્યુદેવ જ કરી શકે. બીજું કોઈ ના કરી શકે. એક જન્મના પ્રારબ્ધ કર્મ પુરેપુરા ભોગવી રહ્યા પછી તેના તે દેહમાં જીવાત્માને પડ્યા રહેવાનું હોતું નથી. તેને માટે તેણે નવા નવા દેહો બદલતા જ રહેવું પડે. તે માટે અને ત્યાં ત્યાં નવા નવા પ્રારબ્ધ ભોગવવાની અને તે પ્રમાણે કર્મક્ષય અને ઋણમુક્તિની તકો ઉઘાડી આપવાની વ્યવસ્થા મૃત્યુદેવ કરી આપે છે. આ પણ મૃત્યુદેવનો મહિમા છે.