મૃત્યુનું માહાત્મ્ય

૧૧. મૃત્યુના ફાયદા

(૩) પુનર્જન્મ આપીને નવીન તકોનું નિર્માણ કરે છે.

કોઈ પણ માણસ આ જીવનમાં સંગીતકળા, ચિત્રકળા, નૃત્યકળા વગેરે કોઈ કળાની ઉપાસના કરે પરંતુ તે કળામાં પૂર્ણતા સિદ્ધ કરતા પહેલા તેનો દેહ છૂટી જાય તો મૃત્યુ દેવ તેને માટે નવીન તકો અનાયાસે ઉપલબ્ધ હોય તેવા દેશ - કાળ - પરિસ્થિતિમાં પુનર્જન્મ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરી આપે છે. આ મૃત્યુદેવનો જીવાત્મા ઉપર મોટો ઉપકાર સમજવો. સંગીતકળામાં પૂર્ણતા પ્રાપ્ત કરતા પહેલા તેનો દેહ છૂટી જાય તો બીજો દેહ તેને એવા કુટુંબમાં મળે કે જે કુટુંબમાં તેના નવા માં - બાપ - ભાઈ - બહેન વગેરે બધા સંગીતશાસ્ત્રીઓ, સંગીત વિશારદો હોય અને તેમના ઘરમાં સંગીતકળાને લગતા તમામ પ્રકારના સાધનો, વાજિંત્રો વગેરે મોજુદ હોય, જેનાથી તે પોતાની સંગીતકળાની ઉપાસનાને વેગવાન બનાવી શકે અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. આગલા જન્મની કરેલી મજૂરી બીજા જન્મના નકામી જતી નથી.

આ સંબંધી ગીતામાં અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને સવાલ પૂછેલો કે "કોઈ જીવાત્મા આત્મસાક્ષાત્કાર અને પરમાત્મા સાથેનો યોગ સિદ્ધ કરવા માટે નિષ્કામ કર્મયોગ-જ્ઞાનયોગ દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક પ્રયાસ કરે છતાં દેહ છૂટતા પહેલા તેવો યોગ પ્રાપ્ત ના કરી શકે તેથી તે યોગભ્રષ્ટ થયો કહેવાય; તો તેવા જીવાત્માની ચાલુ જીવનકાળ દરમિયાન કરેલી તમામ મજૂરી - સાધના દેહ છૂટી ગયા પછી નકામી જાય? અને આ દેહ છૂટ્યા પછી તેની શી ગતિ થાય?

પરમાત્માએ જવાબ આપ્યો કે, ' આવા યોગભ્રષ્ટ જીવાત્માનું આ જન્મમાં અગર તો પછીના જન્મમાં પણ તેનું કાંઈ અનિષ્ટ થતું નથી; કારણકે કોઈ પણ શુભ કર્મ કરનાર અગર ભગવદ્દ અર્થે કામ કરનારની કદાપિ દુર્ગતિ થતી નથી. આવો પુણ્યવાન જીવાત્મા ચાલુ દેહ છોડ્યા પછી વિશેષ ઉન્નત યોનિમાં શુદ્ધ અંતઃકરણવાળા માતાપિતાને ઘેર નવીન દેહ ધારણ કરે છે. અગર તો જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે. જ્યાં તેને અગાઉના દેહમાં કરેલી સાધનાના સંસ્કારો તેના નવા દેહમાં અનાયાસે પ્રાપ્ત થાય છે, અને તેના પ્રભાવથી તે ફરીથી ભગવદ્પ્રાપ્તિને નિમિત્તે પોતાની સાધના અને પુણ્યકર્મોને ચાલુ રાખવા આકર્ષાય છે. અને અગાઉના જન્મ કરતા પણ ઉપલી કક્ષામાં ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. દાખલા તરીકે, એક ગામમાં એક વિદ્યાર્થી પાંચ ચોપડી સુધી ભણ્યો હોય પછી તે આ ગામ છોડીને દૂરના બીજા કોઈ ગામે સંજોગોવશાત રહેવા જાય તો તેને આ નવા ગામમાં છઠ્ઠા ધોરણના વર્ગમાં જ બેસાડવામાં આવે, અગાઉના ગામમાં પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરવાનો તેનો પુરુષાર્થ નકામો જતો નથી, કારણ કે પાંચમું ધોરણ પાસ કર્યાનું સર્ટિફિકેટ તે લઈને આવ્યો છે.'

ગીતામાં ભગવાને આ બાબતમાં સ્પષ્ટતા કરતા કહેલું છે કે:

ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૬/૪૦)

પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ ।

શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૬/૪૧)

અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ ।

એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૬/૪૨)

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ ।

યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૬/૪૩)

આ પ્રમાણે પુનર્જન્મ આપીને મૃત્યુદેવ નવીન તકોનું નિર્માણ કરે છે તે મૃત્યુનું માહાત્મ્ય છે.