મૃત્યુદેવ દરેક જન્મે અહંકારની ઇમારતને તોડી નાખે છે. તે મૃત્યુનો મોટામાં મોટો ફાયદો છે. અહંકાર જ આત્મજ્ઞાનમાં બાધક છે. અહંકારનો જેટલો વિસ્તાર તેટલો જ આત્મજ્ઞાનનો અભાવ.
રાવણ - હિરણ્યકશ્યપ - કંસ - દુર્યોધન - શકુની - સિકંદર - હિટલર - ચંગીઝખાન - આ બધા અહંકારના પૂતળા પૃથ્વીના પૃષ્ઠ ઉપર આવ્યા તે વખતે તેમના જમાનામાં તેમનો અહંકાર તોડવાની કોઈની તાકાત નહોતી. વાઘને 'તારું મોઢું ગંધાય છે' એવું મોઢામોઢ કહેવા જવાની તેમના વખતમાં કોઈની જીગર નહોતી. બિલાડીના ગળે ઘંટ બાંધવા જવાની કોઈ ઉંદરની હેસિયત નહોતી તે વખતે મૃત્યુદેવે આ બધા અહંકારીઓના અહંકારની ઈમારતોને કડડભૂસ તોડી પાડી. જગતવિદિત મહાભિમાની રાવણના દસ માથાને ખોળામાં મૂકીને રણમેદાનમાં મંદોદરી રોતી રોતી વિલાપ કરતી કહેવા લગી કે -
અહહ ક્ન્ત કૃત રામ વિરોધા, કાળ વિવશ મન ઉપજ ન બોધા ||
જગત વિદિત તુમ્હારી પ્રભુતાઈ, સુત પરિજન બળ બરની ન જાઈ ||
રામ બિમુખ અસ હાલ તુમ્હારા, રહા ન કોઉ કુળ રોવનીહારા ||
આખી દુનિયાને ધ્રુજાવનાર મહા અભિમાની સિકંદર મરતી વખતે મૃત્યુદેવના હાથે તેના અહંકારની ઇમારત તૂટતી જોઈને કહેતો ગયો કે -
મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો
મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો
જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો
અબજોનો મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો
મારુ મરણ થતા બધા હથિયાર લશ્કર લાવજો
પાછળ રહે મૃત દેહ આગળ સર્વને દોડાવજો
આખા જગતને જીતનારુ સૈન્ય પણ રડતું રહ્યું
વિકરાળ દળ ભૂપાળને પણ નહિ કાળથી છોડી શક્યું.
મારા બધા વૈદ્યં હકીમોને અહીં બોલાવજો
મારી નનામી એ જ વૈદ્યોને ખભે ઉંચકાવજો
દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે?
દોરી તૂટી આયુષ્યની સાંધનારું કોણ છે?
ખાલી હથેળી રાખીને જીવો જગતમાં આવતા
તે ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા.
યૌવન ફના જીવન ફના જર જમીન ને જોરૂ ફના
પરલોકમાં પરિણામ મળશે પુણ્યના ને પાપના.
અહંકારની ઇમારત એટલી બધી સૂક્ષ્માતિસૂક્ષ્મ અને મજબૂત હોય છે કે તેની એક પણ કાંકરી અહંકારી માણસ પોતે પણ ખેરવી શકતો નથી. અને દુનિયાની બીજી કોઈ પણ સત્તા જયારે આવા અહંકારીના અહંકારને પડકાર કરી શકતી નથી તે વખતે સાક્ષાત મૃત્યુદેવ આ અહંકારીઓને સ્મશાનભૂમિની રખ્યામાં રગદોળી નાખી શકે છે, અને તેમના આત્મજ્ઞાનમાં બાધક બની બેઠેલી અહંકારની ઇમારતોના ભુક્કા ઉડાડી દે છે. આ મૃત્યુદેવની મહત્તા છે.