આ એક અદભુત વાત છે. પરંતુ તે તદ્દન વૈજ્ઞાનિક (Scientific) છે અને તર્કસિદ્ધ (Logical) છે. આ જન્મમાં કોઈ વ્યક્તિને પુરુષનો દેહ (Masculine body) - નરજાતિ મળે તો તેનાથી તે જીવનકાળ દરમિયાન તેના પુરુષત્વના ગુણો (Masculine qualities) નો વિકાસ સાંધી શકે, પુરુષત્વના ગુણો જેવા કે શૌર્ય, સાહસિકતા, રુક્ષતા, કઠોરતા વગેરે ગુણોનો વિકાસ પુરુષ શરીરમાં વ્યક્તિ સાધી શકે. પરંતુ પુરુષશરીરમાં સ્ત્રૈણ્ય ગુણો (feminine qualities) નો વિકાસ બરાબર થઇ શકે નહિ. તેવી જ રીતે સ્ત્રીશરીરમાં - નારી જાતિ (feminine body)માં સ્ત્રૈણ્ય ગુણો (feminine qualities) જેવા કે કરુણા, મૃદુતા, નમ્રતા, વાત્સલ્ય - દયાભાવ - ઋજુતા - શરમાળપણુ વગેરે ગુણો વિકસિત થાય પરંતુ નારીશરીરમાં પુરુષત્વના ગુણો (Masculine qualities) બરાબર વિકસિત થઇ શકે નહિ.
પુરુષ ગમે તેટલો નમ્ર અગર નમાલો (coward) હોય છતાં પણ ખરાખરીના વખતે - at the eleventh hour તેના પુરુષત્વના ગુણો પ્રગટ થઇ જ જાય. એવી જ રીતે સ્ત્રી ગમે તેટલી લોખંડી બાઈ હોય - ઝાંસીની રાની કે ઇન્દિરા ગાંધી હોય - તો પણ ખરાખરીના વખતે સ્ત્રૈણ્ય ગુણો (feminine qualities) - ઉદારતા - દયા - વાત્સલ્ય - વગેરે તેનામાં પ્રગટ થયા સિવાય રહે જ નહિ.
પુરુષ આખરે તો પુરુષ જ છે અને સ્ત્રી આખરે તો સ્ત્રી જ છે. (A man is, after all, a man and a woman is, after all, a woman.) પુરુષ શરીરમાં સ્ત્રીના ગુણો અને સ્ત્રીશરીરમાં પુરુષના ગુણો સામાન્ય રીતે વિકસીત થઇ શકે નહિ, અને જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિમાં સ્ત્રીના અને પુરુષના બધા જ ગુણો પરિપૂર્ણ રીતે વિકસિત ના થાય ત્યાં સુધી તે માનવજીવનની પૂર્ણતાને - પરિપૂર્ણતાને પ્રાપ્ત થયો ગણાય નહિ અને ત્યાં સુધી તે પૂર્ણ પુરુષોત્તમના ભાવને પ્રાપ્ત કરી શકે નહિ.
ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે તેનું કારણ તેમનામાં પુરુષ અને સ્ત્રી (સ્ત્રૈણ્ય)ના તમામ ગુણો પુરેપુરા વિકસિત હતા અને તેથી તેમનામાં સર્વતોમુખી વ્યક્તિત્વ (Multidimensional character) જોવા મળે છે. ભગવાન રામને સીતા ખોવાય ત્યારે સ્ત્રીની માફક આબેહૂબ રોતા પણ આવડે છે અને રાવણને મારતી વખતે ભયંકર ક્રોધ પણ કરી જાણે છે. શ્રીકૃષ્ણ ગોપીઓ વચ્ચે રાસ રમતી વખતે મોરલી પણ બજાવી શકે છે, મથુરાના ગોંદરે જરાસંઘ સામે શંખ પણ વગાડી શકે છે અને શિશુપાલ દંતવક્ર સામે સુદર્શન ચક્ર પણ ઉગામી શકે છે.
પરંતુ સામાન્ય માણસને માટે પુરુષ શરીરમાં સ્ત્રીના ગુણો વિકસાવવાનું - (feminine qualities) અઘરું છે. - તેને માટે સ્ત્રી શરીર જોઈએ. આવું સ્ત્રીશરીર કોણ અપાવે? મૃત્યુદેવ આ ઉપકાર કરી શકે. પુરુષ શરીર છોડાવીને સ્ત્રીનું શરીર પ્રાપ્ત કરવાની તક મૃત્યુદેવ ઉભી કરી શકે. એવી જ રીતે સ્ત્રીશરીર છોડાવીને પુરુષ શરીર અપાવીને પુરુષના ગુણો Develop કરવાની - વિકસાવવાની તક પણ મૃત્યુદેવ આપી શકે છે.
સ્વામી રામકૃષ્ણ પરમહંસે પુરુષ શરીરમાં સ્ત્રૈણ્ય ગુણો (feminine qualities) વિકસાવવાનો - develop કરવાનો પ્રયોગ કર્યો હતો. તે સ્ત્રીની માફક ચાલવા લાગ્યા - તેમને સ્તન પણ પ્રગટ થયેલા અને તેમને માસિક ઋતુ પણ આવવાનું શરુ થયેલું, આવો પ્રયોગ સામાન્ય માણસ ના કરી શકે. પૂજ્ય મોટાએ આવો પ્રયોગ કરેલો અને તેઓ સ્ત્રીની માફક ચાલવા લાગેલા પણ ખરા. છતાં તેઓ આ પ્રયોગમાં પુરેપુરા સફળ થયેલા કે કેમ તેની ખબર નથી.
આદ્ય શંકરાચાર્ય મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરતી વખતે પરકાયા-પ્રવેશનો પ્રયોગ કરીને સ્ત્રૈણ ગુણો નો અભ્યાસ કરેલો તેમ ઇતિહાસ કહે છે.
અર્ધનારીનટેશ્વરની જે કલ્પના આપણા શાસ્ત્રોમાં કરેલી છે તે આ સિદ્ધાંતને અનુરૂપ છે. પૂર્ણપુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી શંકર પરિપૂર્ણ પુરુષ પણ છે અને સ્ત્રી પણ છે.
ટૂંકાણમાં માનવશરીરમાં સ્ત્રી અને પુરુષ શરીર વારાફરતી મેળવી આપવામાં મૃત્યુદેવ સહાયકારી બને છે તે પણ એક મૃત્યુનો મહિમા છે.