મૃત્યુનું માહાત્મ્ય

૧૩. કાળ (મૃત્યુ) પરમાત્માનું જ એક સ્વરૂપ છે. (કાલોઽસ્મિ)

મહાભારતના યુદ્ધ વખતે રણમેદાનમાં પરમાત્મા પોતાની ઓળખાણ આપતા અર્જુનને કહે છે કે -

કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।

ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ॥

(ગીતા - ૧૧/૩૨)

હું કાળ છું. - મહાકાલ છું. અત્યારે આ સમયે હું આ તમામ પ્રતિસ્પર્ધીઓને નષ્ટ કરવા માટે જ ઉપસ્થિત થયો છું અને તેને માટે જ પ્રવૃત થયો છું. એટલે તું યુદ્ધ કરવા હા પાડે તો પણ અને તું યુદ્ધ છોડીને સન્યાસ લઈને નાસી જાય તો પણ (ઋતેઽપિ ત્વાં - inspite of you) આ લોકો જીવતા રહેવાના નથી જ. કારણકે મારાથી તે લોકો ક્યારનાય હણાઈ ચૂકેલા છે. તારે તો ફક્ત મરેલાઓને જ મારવાના છે, તેમાં તારે કાંઈ ધાડ મારવાની નથી. તેમના મોતનું કારણ તું થવાનો નથી. તેમના મોતનું કારણ તો હું (કાળ) છું. તારે તો માત્ર નિમિત્ત જ થવાનું છે. તું કર્તાપણાનો ખોટો અહંકાર લઈને બેઠો છું, કારણ કે આ લોકોનું મોત અત્યારે નિયત થયેલું છે. - નિશ્ચિત થયેલું છે. અત્યારે આ સમયે હું મહાકાલ સ્વરૂપે પ્રગટ થયેલો છું. આ પણ મારુ જ એક સ્વરૂપ છે, જે વિધ્વંસનું સ્વરૂપ છે.

મારા અનેક સ્વરૂપો છે તેમાં ત્રણ સ્વરૂપો મુખ્ય છે: એક સૃજનનું, બીજું રક્ષણનું, અને ત્રીજું વિધ્વંસનું. અત્યારે મારુ આ ત્રીજું વિધ્વંસનું સ્વરૂપ પ્રગટ થયેલું છે. થોડા જ વખતમાં આ લોકો કાળના મુખમાં કોળિયો થઇ જવાના છે. પરંતુ આ ભવિષ્યનું દ્રશ્ય તને થોડું અગાઉથી જોવા મળી ગયું. ખરેખર તો ભવિષ્ય કોઈને નિશ્ચિત બનાવ બનતા પહેલા જોવા મળતું જ નથી. પરંતુ આ તો મારી કૃપાથી તને ભવિષ્યનું દ્રશ્ય - તેનો પ્રિવ્યુ (preview) અગાઉથી જોવા મળી ગયો.

અર્જુનને તો માત્ર નિમિત્ત જ થવાનું છે. બાકી આ વિધ્વંસનું કારણ તો મહાકાલ (ઈશ્વર) જ છે.

નિમિત્ત અને કારણમાં શું તફાવત?

(૧) કારણ એટલે જેના વગર ઘટના ઘટિત ના થાય.

(૨) નિમિત્ત એટલે જેના વગર પણ ઘટના ઘટિત થઇ શકે.

(૩) નિમિત્ત બદલી શકાય, કારણ બદલી શકાય નહીં.

દા.ત. દૂધ ગરમ કરવામાં અગ્નિ કારણ છે, અગ્નિ વગર દૂધ ગરમ થઇ શકે જ નહીં, જયારે તપેલી માત્ર નિમિત્ત છે. તપેલી ના હોય તો વાડકામાં, પવાલામાં અગર તો લોટામાં પણ દૂધ ગરમ થઇ શકે.

ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરેના મોતમાં કાળ મહાકાલ (પરમાત્મા) કારણ છે, અને અર્જુન નિમિત્ત છે. મહાકાલ (કારણ) હોય તો જ તેમનું મૃત્યુ (કાર્ય) સંભવે - અર્જુન નિમિત્ત હોય તો પણ અને ના હોય તો પણ. અર્જુનને તો ફક્ત મરેલાઓને જ મારવાના છે. માત્ર નિમિત્ત જ બનવાનું છે. (He is only the last straw on the camel’s back.)

ભગવાન કહે છે -

'અર્જુન, તને તો મફતના ભાવમાં જશ અને રાજ્ય બંને મળે છે. તું નિયતિનો સ્વીકાર કર અને જે થવાકાળ છે - જેમ થવા બેઠું છે તેમ થવા દે. તું તેમાં આડ નાંખીશ અને નાસી જઈશ, તો પણ આ લોકો બીજા કોઈ નિમિત્તે પણ મરવાના જ છે. અને તેમાં તારું કાંઈ જ નહીં ચાલે અને તું ઉલ્ટાનો કાયરમાં અને મૂર્ખમાં ખપીશ.'

કૌરવો તેમના પાપે મર્યા, તેથી પરમાત્માને મહાકાલ વિધ્વંસકારી સ્વરૂપે પ્રગટ થઈને કારણ બનવું પડયું અને અર્જુનને તો માત્ર નિમિત્ત જ બતાવ્યો. બાકી પરમાત્મા પોતાને (બ્રહ્મને) તો અર્જુન પ્રત્યે કોઈ પક્ષપાત નથી, તો કૌરવો પ્રત્યે કોઈ દ્વેષભાવ પણ નથી. માણસમાત્ર તેના કુકર્મોથી દુઃખ પામે છે, અને સત્કર્મોથી સુખ પામે છે. તેમાં નિયત સમય (કાળ - ઈશ્વર - controller ) કારણ બને છે. - અને કોઈને નિમિત્ત બનાવીને તેની મારફતે તેને સુખ દુઃખ પહોંચાડે છે. તેમાં પરમાત્માને (શુદ્ધ બ્રહ્મને) તો 'સમો અહં સર્વ ભુતેષુ, ન મેં દ્વેષોસ્તિ ન પ્રિય: || કોઈના પ્રત્યે રાગ અગર દ્વેષ જ નથી. ભીષ્મ, દ્રોણ વગેરે સાત્ત્વિક વૃતિવાળા હોવા છતાં માર્યાં ગયા, કારણ કે તેમણે પાપીઓનો પક્ષ લીધો.'