અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥
(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૦/૨૦)
સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન ।
(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૦/૩૨)
ભગવાન કહે છે:
(૧) હું તમામ ભૂતો(becoming)ના હૃદયમાં સ્થિત બધાંયનો આત્મા છું; તથા
(૨) સંપૂર્ણ ભૂતોના આદિ - મધ્ય - અંત પણ હું છું.
આ બે બાબતમાં જ ભગવાનને જે કહેવું છે તે બધું આવી ગયું.
(૧) હું તમામ ભૂતો(becoming) - તમામ પ્રાણી - પદાર્થ - વસ્તુ - વ્યક્તિઓમાં અવ્યક્ત રૂપે બિરાજમાન છું. તમામ અનાત્મ તત્વોનો આત્મા હું છું. તમામ પ્રાકૃતિક પદાર્થ - પ્રાણી - વસ્તુ - વ્યક્તિમાં પુરુષ રૂપે હું છું. તમામ ક્ષરમાં અક્ષર રૂપે હું છું. ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપે હું છું. મૂર્તમાં અમૂર્ત રૂપે હું છું. જડમાં ચેતન રૂપે હું છું. વ્યયમાં અવ્યય રૂપે હું છું. દેહમાં દેહી રૂપે હું છું. સ્થૂળમાં સૂક્ષ્મ રૂપે હું છું. સ્થાવરમાં જંગમ રૂપે હું છું. દ્રશ્યમાં અદ્રશ્ય રૂપે હું છું. સાકારમાં નિરાકાર રૂપે હું છું. પ્રગટમાં અપ્રગટ રૂપે હું છું. વ્યક્તમાં અવ્યક્તરૂપે હું છું. વિકારીમાં અવિકારીરૂપે હું છું. ચિન્ત્યમાં અચિન્ત્ય રૂપે હું છું. વચનીયમાં અનિર્વચનીય રૂપે હું છું. ચળમાં અચળરૂપે હું છું. છેદ્યમાં અચ્છેદ્ય રૂપે હું છું. દાહ્યમાં અદાહ્ય રૂપે હું છું. કલેદ્યમાં અકલેદ્ય રૂપે હું છું. શોષ્યમાં અશોષ્યરૂપે હું છું. અનિત્યમાં નિત્ય રૂપે હું છું. વિનાશીમાં અવિનાશી રૂપે હું છું. ક્ષણભંગુરમાં સનાતન રૂપે હું છું. મરચામાં તીખાશરૂપે હું છું. ગોળમાં ગળપણ રૂપે હું છું. આંબલીમાં ખટાશરૂપે હું છું. મીઠામાં ખારાશ રૂપે હું છું. ઝેરમાં કડવાશ રૂપે હું છું.
કાર્યમાં કારણ રૂપે તમામ પ્રાણી - પદાર્થ - વસ્તુ - વ્યક્તિમાં બધાયના આત્મરૂપે હું છું સમગ્ર વિશ્વમાં અણુએ અણુમાં હું વ્યાપ્ત છું. - દૂધમાં અણુએ અણુએ ઘી વ્યાપ્ત છે, તેવી રીતે મારો X-ray (એક્ષ-રે) કોઈ વૈજ્ઞાનિક લઇ શકે નહીં. હું ઇન્દ્રિયાતીત છું તેથી આંખ મને જોઈ શકે નહીં, કાન મને સાંભળી શકે નહીં, જીભ મને ચાખી શકે નહીં, નાક મને સૂંઘી શકે નહીં, ચામડી મને સ્પર્શ કરી શકે નહીં. હું દરેકના હૃદયમાં સ્થિત આત્મા છું. આ પહેલું કિંમતી વકતવ્ય છે, જેમાં પરમાત્માના અસ્તિત્વની પુરી વાત આવી ગઈ.
હૃદયનો, ફેફસાનો x-ray - એક્ષરે ફોટો લઇ શકાય; પરંતુ પરમાત્મા દરેકના હૃદયમાં એટલે કે કેન્દ્રમાં છે. તેનો x-ray (એક્ષરે) ફોટો લેવાય નહીં. હૃદય એટલે આત્મા. દરેકનું શરીર અલગ અલગ છે; પરંતુ દરેકનો આત્મા - ચૈતન્ય એક જ છે. વીજળીના પાંચસો ગોળાઓ હોય તો તે તમામ ગોળાઓના આકાર, રૂપ, રંગ, વોલ્ટેજ, નામ વગેરે અલગ અલગ હોય, પરંતુ તેમાં વહેતી ઈલેક્ટ્રીસીટી (ચૈતન્ય) એક જ હોય.
એક ગોળો ઉડી જાય તેથી કરીને બધા ગોળા ઉડી ના જાય. એક માણસ મરી જાય, ચૈતન્યનું (Manifestation) દેહમાં પ્રાગટ્ય બંધ (stop) થઇ જાય, તેથી કરીને બીજા માણસો મરી ના જાય. દેહો અનેક છે, પરંતુ તેમાં રહેલું ચૈતન્ય - આત્મા (જીવન) એક જ છે. દેહ અલગ અલગ હોય તેથી આત્મા અલગ અલગ ના હોય. ગોળા અલગ અલગ હોય તેથી ઈલેક્ટ્રીસીટી અલગ અલગ ના હોય. એ તો બધાય ગોળાનું ફિટિંગ ખોલીને બતાવીએ તો જ સમજાય.
દેહ અનેક માટે આત્મા અનેક - એ માન્યતા તદ્દન ગલત - જૂઠી છે. ગોળા અલગ, પરંતુ તેમ દોડતી ઉર્જા (energy) એક જ હોય. જો ઉર્જા વહેતી બંધ થઇ જાય - ઈલેક્ટ્રીસીટી પાવર હાઉસ અગર તો બધાય ગોળાઓની મેઈન સ્વીચ (Main switch) બંધ થઇ જાય તો બધાય ગોળા બંધ થઇ જાય. પરમાત્મા ઈલેક્ટ્રીસીટી પાવર હાઉસ છે. ચૈતન્યનો મહાસાગર, ચૈતન્યનો ઓઘ - (Reservoir of all energy) પરમાત્મા છે. જે ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્ત કરીને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, ચંદ્રમા શીતળતા આપે છે, અગ્નિદેવ ગરમી આપે છે, પૃથ્વી તમામ પ્રાણી પદાર્થોને ધારણ કરી શકે છે, વગેરે આ તમામ ચૈતન્યનો મૂળ સ્તોત્ર પરમાત્મા છે. પાવર હાઉસમાં ઉર્જા પેદા કરવા જનરેટર - Generator જોઈએ. પરમાત્માને પેદા કરનાર કોઈ જનરેટર નથી. પરમાત્મા પોતે તમામ જનરેટરનો જનરેટર છે, તેનો કોઈ જનરેટર નથી.
(૨) બીજી વાત ભગવાન કહે છે કે : "હું બધાનો આદિ - મધ્ય - અંત છું. મારો કોઈ આદિ - મધ્ય - અંત નથી. હું અનાદિ અને અનંત છું."
આપણા બધાના શરીર બલ્બ જેવા છે; જે પ્રકૃતિના કારખાનામાં Manufacture - પેદા થાય છે અને સમય આવ્યે ઉડી જાય છે. - ફૂટી જાય છે, પરંતુ તેમાં વહેતી ઉર્જા (આત્મા) - ચૈતન્ય કદી જન્મતું નથી, મરતું નથી. બલ્બ અનેક છે, ઉર્જા એક છે; દેહ અનેક છે, આત્મા એક છે; બહારથી ભેદ છે, અંદરથી અભેદ છે; બહાર ભિન્નતાઓ છે, અંદર અભિન્નતા છે; બહાર દ્વૈત છે, અનેકત્વ છે - અંદર એક છે, અદ્વૈત છે. જે બહારથી (દેહાધ્યાસથી) જીવે છે તે કદાપિ આ અનુભવ નહીં કરી શકે કે જયારે હું બીજાને દુઃખી કરું છું ત્યારે હું મારી જાતને દુઃખ પહોચાડું છું; જયારે હું બીજાનું અહિત કરું છું ત્યારે હું પહેલા ભલે હું બીજાનું અહિત કરું છતાં હું મારુ જ મારી જાતે અહિત કરી રહ્યો છું. મહાવીર, બુદ્ધ, જિસસમાં જે કરુણા છલકાય છે તેનું મુખ્ય કારણ આ સમજણ છે કે મારાથી અતિરિક્ત બીજું કોઈ છે જ નહીં.
સમસ્ત ભૂતોનો આદિ, મધ્ય, અંત હું છું એવું ભગવાનનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ સમસ્ત ચીજો પરમાત્મામાં જ એકઠી છે. જન્મ - મરણ, પાપ - પુણ્ય, શુભ - અશુભ, સ્વર્ગ - નર્ક બધું જ પરમાત્મા છે. નર્કમાં ભગવાન ના હોય તો નર્કનું અસ્તિત્વ જ ના ટકે અને સાથે સાથે સ્વર્ગ પણ સ્વર્ગ ના રહે. મરણની પ્રક્રિયા નષ્ટ થઇ જાય તો નવા જન્મ થતા રોકવા પડે. કુટુંબ-નિયોજન કરવું પડે. એટલા માટે પરમાત્મા કહે છે : "પ્રારંભ પણ હું છું, તો અંત પણ હું છું; સંસાર પણ હું છું, તો મોક્ષ પણ હું જ છું; જન્મ પણ હું છું, તો મૃત્યુ પણ હું જ છું."
તેથી જયારે પણ તમને ક્યાંક મૃત્યુ દેખાય ત્યારે પણ તમે પરમાત્માનું વિસ્મરણ નહીં કરતા. અગર તો ભયકંરમાં ભયકંર ખૂનામરકી - વિનાશ - યુદ્ધમાં પણ જો તમે પરમાત્માને દેખતા રહો તો તમારે માટે આ બધું રૂપાંતરિત થઇ જશે, ઝેરનો કટોરો પણ અમૃત થઇ જશે, અગ્નિ પણ શીતળ થઇ જશે. તમારું કોઈ બૂરું કરે તેમાં પણ તમને તમારું ભલું થતું દેખાશે અને ત્યારે તમને મૃત્યુમાં પણ નવું જીવન દેખાશે.