મૃત્યુનું માહાત્મ્ય

૧૮. અક્ષય કાળ એ જ પરમાત્મા

અહમ એવ અક્ષયઃ કાળ: ||

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૦/૩૩)

કાળના ત્રણ ભેદ છે:

૧. 'સમય' વાચક કાળ

૨. 'પ્રકૃતિ' રૂપ કાળ. મહાપ્રલય પછી જેટલા જેટલા સમય સુધી પ્રકૃતિની સામ્યાવસ્થા રહે છે તે પ્રકૃતિરૂપ કાળ.

૩. નિત્ય શાશ્વત વિજ્ઞાનાનંદ ધન પરમાત્મા (Eternity)

સમયવાચક સ્થૂળકાળની અપેક્ષાએ તો બુદ્ધિની સમજમાં ના આવે તેવો પ્રકૃતિરૂપ કાળ સૂક્ષ્મ અને પર છે. એ પ્રકૃતિરૂપ કાળથી પણ પરમાત્મરૂપ કાળ અત્યંત સૂક્ષ્મ પરાતિપર અને પરમ શ્રેષ્ઠ છે. વસ્તુતઃ પરમાત્મા દેશકાળથી સર્વથા રહિત છે. પરંતુ જ્યાં પ્રકૃતિ અને તેના કાર્યરૂપ સંસારનું વર્ણન કરવામાં આવે છે ત્યાં તમામને સત્તા - સ્ફૂર્તિ આપનાર હોવાને લીધે તે બધાના અધિષ્ઠાનરૂપ વિજ્ઞાનાનંદ ધન પરમાત્મા જ વાસ્તવિક કાળ છે. ભગવાને ગીતાના ૧૦માં અધ્યાયના ૩૦માં શ્લોકમાં કહ્યું છે કે

'કાલઃ કલયતામહમ્' (જુઓ પેરા ૧૪)

અને ૩૩માં શ્લોકમાં અહીં કહે છે કે

'અહમ એવ અક્ષયઃ કાળ: '

આ બંનેમાં ફરક છે. ૩૦માં શ્લોકમાં કહેલો કાળ ક્ષણે ક્ષણે બદલાનારો કાળ છે - ભવિષ્યકાળની ક્ષણ વર્તમાનકાળમાં આવે છે અને તુરત જ તે ક્ષણ ભૂતકાળમાં ચાલી જાય છે. આ પ્રકારે સજીવ દેહધારી મનુષ્ય અને તમામ સ્થલચર - જળચર - નભચર પ્રાણીઓ કાળથી ગ્રસ્ત છે. એટલા માટે ૩૦ માં શ્લોકમાં (જુઓ પેરા ૧૪) ગણતરી કરનારાઓમાં હું કાળ (સમયવાચક કાળ) છું, તેમ ભગવાને કહ્યું. અહીં ૩૩માં શ્લોકમાં અક્ષય કાળ (Eternity )નું વર્ણન છે. એટલે બ્રહ્મની માફક કાળ પણ અનાદિ છે અને અનંત છે.

આ જે મૂળ કાળ છે જેને કાલાત્મા પણ કહે છે. તે બ્રહ્મની માફક અક્ષય છે અને તે સમગ્ર વિશ્વથી સંબંધિત છે.

આ અક્ષયકાળ પૃથ્વીના પદાર્થો, પ્રાણીઓ સાથે ક્ષણ ક્ષણ સંબંધ રાખે છે ત્યારે તેને ગણતરી કરનારો કાળ કહે છે. અને તે (સમયસૂચક) કાળની એક એક ક્ષણની ગણતરી ચાલી રહેલી છે. જયારે સમસ્ત બ્રહ્માંડની સાથે સંબંધ રાખનાર કાળને તો સમસ્ત બ્રહ્માંડને એક જ વખત ખતમ કરવાનું હોય છે. એટલે આ બે કાળ એકબીજાથી ભિન્ન નથી. પરંતુ એક જ કાળના આ બે સ્વરૂપ છે. આ જગતમાં એક જ ચીજ અક્ષય છે - જે ક્ષીણ થતી નથી - અને તે સમય (કાળ) છે. આ વિરાટ અસ્તિત્વ, તમામે તમામ પ્રાણીઓ, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ બધું સમયમાં જ (કાળમાં) જન્મે છે - જીવે છે - મરે છે. સમયમાં જ (કાળમાં જ) બધી ઉત્ત્પત્તિ - સ્થિતિ - લય સતત ચાલ્યા કરે છે.

કાલો ન યાત: વયમેવ યાતા:

ભર્તુહરિ કહે છે - કાળ તો ના ગયો પરંતુ અમે ચાલ્યા ગયા. કોઈ કહે કે હું સમય પસાર કરું છું, પરંતુ તેને ખબર નથી કે તે પોતે પસાર થઇ રહ્યો છે. સમયની આ શાશ્વતતા છે(Time is eternal). એમાં ક્યાંય ભૂતકાળ નથી - ભવિષ્યકાળ નથી. માત્ર વર્તમાનકાળ જ છે, જેમ આકાશમાં કોઈ દિશા નથી. દિશા નક્કી કરવા કોઈ પદાર્થ (object) જોઈએ અને સમય નક્કી કરવા કોઈ પ્રસંગ (incident) જોઈએ. પદાર્થ અને પ્રસંગ વગર (object અને incident) દિશા અને સમયનું ભાન પડે નહીં. પદાર્થ અને પ્રસંગનો ખ્યાલ છોડે તો જ Time and space are eternal એ સત્ય સમજાય. મૃત્યુ પણ એક શાશ્વતતા છે તેથી આપણે મૃત્યુને કાળ કહીએ છીએ.