માણસે પોતાના જીવનકાળ દરમિયાન જેટલા જેટલા પાપ કર્યા હોય તે બધા પાપ તેને દેહ છોડતી વખતે યાદ આવે છે અને તેથી જીવાત્માને અત્યંત દુઃખ સાથે ગભરામણ થાય છે. માણસ જન્મે છે ત્યારથી તેના અંતઃકરણમાં તેના આખા જીવનની વિડિઓ ફિલ્મ ઉતરવાની શરૂઆત થઇ જાય છે અને તેના જીવનકાળ દરમિયાન તેણે જે જે પાપ કર્યા હોય, કાથાકબલા કર્યા હોય, ચોરીઓ કરી હોય, કાળાબજાર કર્યા હોય, લાંચો લીધી હોય, દગાફટકા કર્યા હોય, વ્યભિચાર કર્યા હોય તે બધાય પાપોની ફિલ્મ તેના અંતઃકરણના પટ ઉપર ઉતરતી જતી હોય છે અને અંતકાળ વખતે તેણે આ આખી ફિલ્મ ફરજીયાત જોવી જ પડે છે. તે વખતે જીવાત્મા તેના પાપો ફાટી આંખે જોતો હોય છે અને પાપ-સ્મરણાત્મક દુઃખ ભોગવતો ભોગવતો અંતકાળે ભગવદ્ સ્મરણ ચુકી જાય છે.
મરણપથારીમા પડ્યો પડ્યો માણસ જયારે પોતે કરેલા અનેકાનેક પાપોની ફિલ્મ ગભરાટથી ધડકતા હૈયે ફાટી આંખે જોતો હોય તે વખતે મરણપથારી આગળ વીંટળાઈને બેઠેલા સગલાંને તેનો ભત્રીજો સમજાવતો હોય કે, "જીવાકાકાને મારી ઉપર બહુ જ પ્રેમ હતો તેથી તે ફાટી આંખે ટગર ટગર મારી સામે જ જોઈ રહ્યા હતા." આ મૂરખ ભત્રીજાને ખબર નથી કે જીવોકાકો તારી સામે નહોતો જોતો, પરંતુ પોતે કરેલા પાપોની ફિલ્મ ચકળવકળ ડોળા કાઢીને જોતો હતો.
અંતઃકરણ એક જબરજસ્ત કોમ્પ્યુટર છે, જેમાં અનેક જન્મ-જન્માંતરોના સંસ્કારો સંગૃહીત (computerised) થાય છે. આખી જિંદગીમાં કરેલા આઘાપાછા - ઊંધાચત્તા - કાથાકબલા - કર્મોના સંસ્કારો અંતઃકરણમાં અંકિત (recorded) થતા જાય છે. અને તેની વિડિઓ ફિલ્મ ઓટોમેટિક તૈયાર થતી જાય છે. અંતકાળે દેહ છોડતી વખતે આ ફિલ્મ દરેક જીવાત્માને ફરજીયાત જોવી જ પડે છે. આ ફિલ્મની ટેક્નોલોજી એટલી બધી ડાયનેમિક છે કે માણસ પોતાના ૮૦-૯૦-૧૦૦ વરસના આયુષ્યની ફિલ્મ પણ માત્ર એક સેકન્ડના સોમા ભાગમાં જોઈ શકે છે.
ગમે તેવો મહાન સંત હોય કે ગમે તેટલો દુષ્ટ પાપી હોય, રાય હોય કે રંક, ભણેલો હોય કે અભણ - દરેક જીવાત્માને શરીર છોડતી વખતે પોતાના સમગ્ર જીવનની ફિલ્મ જોવી પડે છે. અને તે જોયા પછી જ તેનો દેહ છૂટે છે.
ખુદ ભગવાન રામના બાપને - રાજા દશરથને પણ આ ફિલ્મ જોવી પડી હતી. રાજા દશરથ કેટલા પુણ્યશાળી હશે કે ખુદ ભગવાનને પણ જેને બાપા કહીને બોલાવવાનું મન થાય. આવા મહાન પુણ્યશાળી રાજા દશરથના જીવનમાં પાપની છાંટ પણ ના હોઈ શકે, છતાં દીકરાના વિરહથી શરીર છોડવાનો વખત આવ્યો ત્યારે તેમને પણ તેમના જીવનની ફિલ્મ જોવા મળી અને તે ફિલ્મ જોતા જોતા જયારે તે દ્રશ્ય આવ્યું કે જેમા એક રાજકુમાર ઘોડા ઉપર બેસીને મૃગયા કરવા નીકળ્યો છે, એક જંગલમાં તેણે તળાવમાંથી આવતો 'બુડ-બુડ' અવાજ સાંભળ્યો અને તેણે શબ્દવેધી બાણ માર્યું જેનાથી નિર્દોષ બ્રાહ્મણકુમાર શ્રવણ વીંધાઈ ગયો અને તેના અંધ માબાપે શાપ આપ્યો.
આ દ્રશ્ય જોતાંની સાથે રાજા દશરથ ચીરાતાં હૃદયે પોકારી ઉઠ્યા :
યહ સબુ મોર પાપ પરિણામુ, તાપસ અંધ શ્રાપ સુધી આઈ.
કૌશલ્યહિ સબ કથા સુનાઈ, ભયઉ બીકલ બરનત ઇતિહાસા
રાજા દશરથને આ ફિલ્મ જોતાંની સાથે ખાતરી થઇ ગઈ કે આમાં કૈકેયી કે મંથરાનો કોઈ દોષ નથી. મારુ દુઃખ એ મારા જ પાપનું પરિણામ છે.
આ પાપ-સ્મરણાત્મક દુઃખ અંતકાળે ના ભોગવવું પડે તેને માટે શાસ્ત્રોએ અને સંતોએ ચેતવણી આપી છે કે માણસે જીવનની શરૂઆતથી જ નીતિમય જીવન જીવવા માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મની મર્યાદામાં રહીને ન્યાયનીતિથી પુરુષાર્થ દ્વારા જે કાંઈ દ્રવ્ય પ્રારબ્ધવશાત ઉપાર્જન થાય તેને ભગવદ્ પ્રસાદી માનીને ત્યાગવૃત્તિથી ભોગવવું, જેથી કરીને મરતી વખતે પાપ-સ્મરણાત્મક દુઃખની પીડા ભોગવવી પડે નહિ.