વેદાંત વિચાર

પ્રકરણ પહેલું : બ્રહ્મનું સ્વરૂપ

૧૦-(A) પરમાત્મા છે? નથી?

પરમાત્મા(બ્રહ્મ)નું સ્વરૂપ અત્યંત વિચક્ષણ છે.

ભગવદગીતાના ૧૩માં અધ્યાયમાં ભગવાન કહે છે કે:

अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते

આદિરહિત પરમ બ્રહ્મ અકથનીય હોવાથી ન તો સત્ કહેવાય છે ના તો અસત્ કહેવાય છે.

પરમાત્મા "છે" (અસ્તિ) એમ પણ કહી શકાતું નથી અને 'નથી' (ન અસ્તિ, નાસ્તિ) એમ પણ કહી શકાતું નથી. જે લોકો કહે છે કે પરમાત્મા "છે (અસ્તિ)" તે લોકો 'આસ્તિક' કહેવાયા. જે લોકો કહે છે કે પરમાત્મા "નથી" (ન અસ્તિ, નાસ્તિ) તે લોકો 'નાસ્તિક" કહેવાય. પરંતુ આ બંને પ્રકારના લોકો, આસ્તિકો અને નાસ્તિકો એક જ પરમાત્માની જ વાત કરે છે અને આ બંને પ્રકારના લોકોનો વિવાદ અનાદિકાળથી ચાલે છે અને ચાલતો રહેવાનો છે. કારણ કે તેઓ બંને પ્રકારના લોકો પરમાત્માના અસલ સ્વરૂપને પામી શક્યા જ નથી. જે મહાન પુરુષો આત્મા, પરમાત્માના અસલ સ્વરૂપને પામી ગયા છે તે તો પરમાત્મા છે કે નથી તેની ભાંજગડમાં પડયા જ નથી કારણ કે તેઓની તો બોલતી જ બંધ થઇ ગઈ છે. પરમાત્મા અકથનીય છે, માટે જેણે પરમાત્માના સ્વરૂપને અનુભવ્યું છે તે તો આસ્તિક પણ નથી અને નાસ્તિક પણ નથી,

વેદો - ગીતા આસ્તિક પણ નથી અને નાસ્તિક પણ નથી. પરમાત્મા છે એમ કહેવું તે પણ ભાષાની ભૂલ છે, અને નથી એમ કહેવું તે પણ ભાષાની ભૂલ છે. પરમાત્મા એટલે સંપૂર્ણ અખંડ અસ્તિત્વ. આપણે એમ કહીએ કે પરમાત્મા માત્ર જીવન છે, તો પછી મૃત્યુ શેમાં હોય? અગર એમ કહીએ કે પરમાત્મા માત્ર સુખ છે તો દુઃખ શેમાં હોય? અગર આપણે એમ કહીએ કે પરમાત્મા માત્ર સ્વર્ગ છે તો નર્ક ક્યાં હોય?

તો પછી નર્કને પરમાત્માથી અલગ પાડવું પડશે. એનો અર્થ એ થયો કે આપણે અસ્તિત્વના બે કકડા કરી નાખ્યા. અસ્તિત્વ (પરમાત્મા-બ્રહ્મ) એક અને અખંડ છે. પરમાત્મા જીવન પણ છે અને મૃત્યુ પણ છે.

ગીતા કહે છે: God ‘is’ and also ‘is not’ both. પરમાત્મા છે અને નથી પણ.

ભાષામાં દ્વંદ્વ છે. પરમાત્મા નિર્દ્વંદ્વ છે. વેદ-ગીતા નથી કહેતા કે ઈશ્વર છે અને એમ પણ નથી કહેતા કે ઈશ્વર નથી. તેઓ તો કહે છે કે જે કાંઈ છે તે ઈશ્વર જ છે. તેઓ એમ નથી કહેતા કે, "God exists or God does not exist" પણ એમ કહે છે કે "Everything that exists is God" - જીવન અને મૃત્યુ, સુખ અને દુઃખ, સ્વર્ગ અને નર્ક બધું પરમાત્મા છે. છે અને નથી — બધું પરમાત્મામાં છે. બધા દ્વંદ્વો પરમાત્મામાં છે અને છતાં પરમાત્મા તમામ દ્વંદ્વોથી પર, નિર્દ્વંદ્વ છે એટલા માટે અકથનીય છે.

જે વસ્તુ અગર વ્યક્તિ કે પદાર્થ અગર પ્રાણી ભૂતકાળમાં કોઈ વખતે નહોતું અને ભવિષ્યમાં કોઈ કાળે નથી હોવાનું તે અત્યારે હોય તો તેને હાલમાં "છે" એમ કહેવાય. પરંતુ જે પરમાત્મા અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી હોવાના છે અને હાલમાં પણ અણુએ અણુમાં પ્રચુર પ્રમાણમાં વ્યાપ્ત છે તેને "છે" અગર "નથી" એમ કહેવામાં ભાષાની ભૂલ છે કારણકે ભાષા દ્વંદ્વ પર નિર્ભર છે, દ્વૈત પર નિર્ભર છે, વિરોધ પર નિર્ભર છે. બ્રહ્મ દ્વંદ્વથી પર છે, દ્વૈતથી પર છે અને વિરોધથી પણ પર છે.

પરમાત્મા અસ્તિત્વ છે. "નથી" અને "છે" બંને તેમાં સમાવિષ્ટ છે. ક્યારેક પ્રગટ થાય છે, ત્યારે "છે" એમ માલુમ પડે છે અને જયારે અપ્રગટ થઇ જાય છે ત્યારે "નથી" એમ માલુમ પડે છે. સૂર્ય દિવસે "છે" એમ કહેવાય છે. રાત્રે "નથી" એમ કહેવાય છે. પરંતુ સૂર્ય તો સદાકાળ છે જ. કેરીનો ગોટલો ભૂતકાળમાં આંબો હતો આજે આ ગોટલામાં આખો આંબો છુપાયેલો છે. એટલે ગોટલો "છે" એમ કહેવાય છે અને આંબો "નથી" એમ કહેવાય છે. ભવિષ્યમાં ગોટલો અપ્રગટ થતા "નથી" એમ કહેવાશે અને તેમાંથી પ્રગટ થયેલો આંબો "છે" એમ કહેવાશે. આંબો અને ગોટલો બંનેનું બીજ પરમાત્મામાં છે.

ભગવાન ગીતામાં કહે છે,

"બીજં મમ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ".

હું સમસ્ત પ્રાણી કે પદાર્થ અગર વસ્તુ કે વ્યક્તિનું સનાતન બીજ છું.

પરમાત્મા પ્રગટ પણ છે અને અપ્રગટ પણ છે. આ સમસ્ત જગત અને તેમાં રહેલ તમામ વસ્તુ કે વ્યક્તિ અગર પદાર્થ કે પ્રાણી તે પરમાત્માનું પ્રગટ "છે" રૂપ છે, અને તમામમાં ચૈતન્ય રૂપે રહેલા આત્મા તે પરમાત્માનું અપ્રગટ "નથી" રૂપ છે.

પરમાત્માનું વર્ણન કરવું તેમાં આપણી બાલિશતા છે, કમજોરી છે, આકાશને મુઠીમાં બાંધવા જેવો બાલિશ અને કમજોર પ્રયાસ છે. મુઠીમાં આકાશ છે. પરંતુ પૂરું આકાશ નથી હોતું. આકાશ વિરાટ છે અને આપણી મુઠ્ઠી પણ આકાશમાં જ છે. મનુષ્યની બુદ્ધિ, મન અગર ચેતના પરમાત્માને પુરેપુરા નહી પામી શકે કારણકે માણસની બુદ્ધિ, મન અને ચેતના સ્વયં પરમાત્માની અંદર છે. અને તે તમામના પ્રેરક પરમાત્મા છે. વૃક્ષ "છે" એમ કહીએ તો કાલે નથી એમ થઇ જાય. "છે" તે કોક દિવસ 'નથી' થઇ જાય. આપણે કહીએ નદી "છે" કાલે સુકાઈ જાય. આપણે કહીએ જુવાની "છે" કાલે ઘડપણ આવી જાય. આજે જે "છે" તે કાલે નહિ હોવાની પુરેપુરી સંભાવના છે. ઈશ્વર એટલે અખંડ અસ્તિત્વ, ઈશ્વર એટલે હોવું. Being. Becoming નહી , જે છે તેનું નામ ઈશ્વર.

બીજી ચીજોની માફક પરમાત્મા કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી પરંતુ એક અનુભૂતિ છે તેથી દેખાડી શકાય નહી. દેહ(પિંડ)માં આત્મા છે? હોય તો દેખાડો. નથી? તો દેહ જીવંત કેમ રહે? બ્રહ્માંડમાં પરમાત્મા છે? હોય તો દેખાડો. નથી? તો બ્રહ્માંડ મડદું થઇ જાય. પંખામાં, રેડિયોમાં ઈલેક્ટ્રીસીટી છે? હોય તો દેખાડો. ના હોય તો પંખો-રેડિયો ભંગાર થઇ જાય.

પરમાત્મા એટલે અસ્તિત્વ.

પરમાત્મા નથી એટલે "છે નથી" - is not

માણસ (આસ્તિક) કહે છે કે સૂર્ય (પરમાત્મા) અસ્તિ - છે.

ઘુવડ (નાસ્તિક) કહે છે કે સૂર્ય (પરમાત્મા) ન અસ્તિ - નાસ્તિ - છે નથી.

છે અને નથી બંને એક જ સૂર્ય(પરમાત્મા)ની વાત કરે છે.

અંધકાર અને પ્રકાશ એક જ વસ્તુનું નામ છે.

Light means the minimum of the darkness.

Darkness means the minimum of the light.

સાચો આસ્તિક તો આસ્તિક હોવાનો દાવો પણ ના કરે કારણ કે આ દાવો કરવાથી જ નાસ્તિકો પેદા થાય છે. બુદ્ધ, મહાવીર એવા આસ્તિક હતા જેમને આસ્તિક હોવાનો દાવો કર્યો જ નહિ. જો આપણે કોઈ ચીજને કહીએ કે "છે" તો "નથી" ને નિમંત્રણ આપીએ છીએ. આસ્તિક એમ પણ નહિ કહે કે નાસ્તિક ખોટો છે જેટલા જુસ્સાથી ઈશ્વર છે એમ સિદ્ધ કરવા જશો તેટલા જ જુસ્સાથી ઈશ્વર નથી એમ સિદ્ધ કરવા કોશિશ થશે. માટે ઈશ્વર છે કે નથી તેવા મિથ્યા વિવાદમાં પડવા કરતા મૌન સારું. સૂર્ય નથી એવો આખી દુનિયાના બધા ઘુવડો એકઠા થઈને સર્વાનુમતે ઠરાવ કરે તો પણ તેથી સૂર્યના અસ્તિત્વને કાંઈ પણ આંચ આવવાની નથી.