શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ જયારે માયાના તમોગુણનો સ્વીકાર કરે અગર તો શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મમાં જયારે માયાનો તમોગુણ પ્રાધાન્યપણે પ્રગટ થાય છે ત્યારે તે માયાવચ્છિન્ન ચૈતન્ય એટલે કે ઈશ્વરને આપણા શાસ્ત્રોએ મહેશ, શિવ, શંકર એવું નામ આપ્યું છે, અને તે જગતમાં લયનું કામ કરે છે.
આમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ ઈશ્વરના જુદા જુદા નામ છે, બાકી અસલમાં તો ત્રણેય શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ છે. અને એક જ સ્વરૂપ છે. શિવમાર્ગીઓ, વિષ્ણુમાર્ગીઓ અને શક્તિપંથીઓ નાહકના કૂટાઈ મરે છે અને બેવકુફોમાં ખપે છે.
બ્રહ્મા જગતની ઉત્પત્તિના અધિષ્ઠાતા છે (Head of production, generation department), વિષ્ણુ જગતની સ્થિતિ સંરક્ષણના અધિષ્ઠાતા છે (Head of Administrative/operative department ) અને મહેશ જગતના લયના અધિષ્ઠાતા છે. (Head of disposal department )
અંગ્રેજો આ ત્રણેય ઈશ્વને માટે એક જ શબ્દ - ગોડ (GOD) શબ્દ વાપરે છે. G.O.D. એટલે Generator, Operator and Destructor (ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સંચાલકો - Directors.)
શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ જ માયાવચ્છિન્ન ચૈતન્ય (માયાના ગુણોનો સ્વેચ્છાએ સ્વીકાર કરીને) ઈશ્વર (શક્તિમાન) બને છે અને તે જ ઈશ્વર તેમના ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્રના હિસાબે બ્રહ્મા, વિષ્ણુ અગર મહેશ એવા જુદા જુદા નામથી બોલાય છે; બાકી તત્ત્વે કરીને તો તે માત્ર સત્ શુદ્ધ બ્રહ્મ જ વિલસી રહેલ છે.
एकं सत् विप्राः बहुधा वदन्ति |
મને એક ગમ્મતની વાત યાદ આવે છે. ભગવાન શંકરના હિમાલયને ત્યાં પાર્વતીજી સાથે લગ્ન થયા ત્યાં ચોરીમાં હસ્તમેળાપ વખતે ગોર મહારાજે ભગવાન શંકરને ગોત્રોચ્ચાર કરવાનું કહ્યું એટલે કે તમે ક્યાં ગોત્રના છો, તમારા પિતા, દાદા અને વડદાદાનું નામ શું છે તે બોલો એમ કહ્યું. ભગવાન શંકર મૂંઝાયા અને મનમાં વિચારમાં પડી ગયા કે મારે વળી પિતા કેવા? હું તો અજન્મા છું, સ્વયંભૂ છું. મારો કોઈ પિતા ક્યાંથી હોય? નારદજી ભગવાન શંકર સાથે અણવર તરીકે બેઠેલા; તેમણે વિચારમાં પડી ગયેલા ભગવાન શંકરને નાની ચૂંટણી ખણીને કહ્યું કે અહીં લગ્ન વખતે બાપનું નામ કાંઈક બતાવવું જ પડશે નહીંતર પરણ્યા વગરના રહી જશો માટે ધીમે રહીને હિંમતથી ઝટ દઈ ને કહી દો કે મારા બાપનું નામ બ્રહ્મા. નારદજીના ઇશારાને માન આપીને ભગવાન શંકરે ગોર મહારાજને કહ્યું કે મારા બાપનું નામ બ્રહ્મા. ગોર મહારાજે આગળ પૂછ્યું કે બ્રહ્માના બાપનું નામ શું? બોલો. ત્યાં તો નારદજીએ બારોબાર જવાબ આપી દીધો કે બ્રહ્માના બાપનું નામ વિષ્ણુ. ગોર મહારાજે વળી પાછો સવાલ શંકરને પૂછયો કે વિષ્ણુના બાપા (તમારા વડદાદા)નું નામ શું? બોલો.
શંકરજીએ અકળાઈને સટાક દઈને જવાબ આપી દીધો કે વિષ્ણુના બાપાનું નામ શંકર.
આ વાત ખરેખર બનેલી સાચી છે કે ખોટી તેની ખબર નથી કારણ કે શંકરના લગ્ન વખતે હું હાજર ન હતો. સાચી-ખોટીની ભાંજગડ છોડીને વાતનો ભાવ જોઈએ તો અસલમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક જ સત્ - ચિત્ત - આનંદ પરાત્પર બ્રહ્મના જ સ્વરૂપો છે. તેમાં કોઈ મોટા - નાનાનો ભેદ નથી. તેમ છતાં બ્રહ્મ પુરાણમાં બ્રહ્માને સૌથી મોટા ચીતર્યા છે અને વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને તથા શિવ પુરાણમાં શિવને સૌથી મોટા ગણાવ્યા છે. તેનું કારણ તે તે દેવો પ્રત્યે પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની પોતાની એકાંતિક ભક્તિ અને શ્રદ્ધાનો અતિરેક છે.
ઉપનીષદમાં નિર્ગુણ નિરાકારની સાથે સગુણ નિરાકારની પુષ્ટિ કરતા વચનો પણ મળે છે, જેને રામાનુજ વગેરે ભાષ્યકારો વિશેષ મહત્વ આપે છે. ઇસ્લામ અને ખ્રિસ્તી મત આ વાતને માને છે. બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ વગેરે આધુનિક સમાજો સગુણ નિરાકારની ભૂમિ ઉપર ખડા છે.
આ વાતના સમર્થમાં 'મહિમ્ન સ્તોત્ર'માં પુષ્પદંત નીચે પ્રમાણે સ્તુતિ બોલે છે.
તવૈશ્વર્યં યત્તજ્જગદુદયરક્ષાપ્રલયકૃત
ત્રયીવસ્તુ વ્યસ્તં તિસ્રુષુ ગુણભિન્નાસુ તનુષુ |
અભવ્યાનામસ્મિન વરદ રમણીયામરમણીં
વિહન્તું વ્યાક્રોશીં વિદધત ઇહૈકે જડધિયઃ || ૪ ||
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય બ્રહ્મથી ભિન્ન નથી, સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોને લીધે ત્રણ મૂર્તિઓ કે અવતાર ભિન્ન જેવા દેખાય છે છતાં તે ત્રણેય બ્રહ્મના જ રૂપો છે. તે બ્રહ્મથી ભિન્ન નથી. એક જ ગંગાને આકાશમાં મંદાકિની કહે છે, પૃથ્વી પર ભાગીરથી કહે છે અને પાતાળમાં ભોગાવતી કહે છે. નામ ભિન્ન છે છતાં તે એક જ પુણ્યસલીલા ગંગા હોય છે.
શ્રીમદ્ ભાગવતમાં ચોથા સ્કંધના સાતમા અધ્યાયમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પરમાત્મા (બ્રહ્મ) વિષ્ણુરૂપે પ્રગટ થાય છે અને સ્પષ્ટ ખુલાસો કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એક જ બ્રહ્માના ત્રણ સ્વરૂપો છે.
અહં બ્રહ્મા ચ શર્વશ્ચ જગત: કારણં પરમ્ ।
આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયંદૃગવિશેષણ: ॥
આત્મમાયાં સમાવિશ્ય સોઽહં ગુણમયીં દ્વિજ ।
સૃજં રક્ષં હરં વિશ્વં દધ્રે સંજ્ઞાં ક્રિયોચિતામ્ ॥
તસ્મિન્ બ્રહ્મણ્યદ્વિતીયે કેવલે પરમાત્મનિ ।
બ્રહ્મરુદ્રૌ ચ ભૂતાનિ ભેદેનાજ્ઞોऽનુપશ્યતિ ॥
(શ્રીમદ્ ભાગવત - ૪/૭/૫૦-૫૨)
જગતનું પરમ કારણ હું જ વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવ છું. હું જ તમામ આત્મા, ઈશ્વર અને સાક્ષી છું અને સ્વયં પ્રકાશ અને ઉપાધિશૂન્ય છું. મારી ત્રિગુણાત્મક માયાનો સ્વીકાર કરીને હું જ જગતની રચના, પાલન અને સંહાર કરતો રહુ છું અને મેં જ તે કર્મોને અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ નામ ધારણ કરેલા છે. એવો જે ભેદરહિત વિશુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ હું છું તેમાં અજ્ઞાની પુરુષો બ્રહ્મા, રુદ્ર, વિષ્ણુને વિભિન્ન રૂપથી દેખે છે ખરેખર બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર ત્રણેય સ્વરૂપે કરીને એક જ છે. મહિમ્ન સ્તોત્રમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે -
બહુલ-રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ
પ્રબલ-તમસે તત્ સંહારે હરાય નમો નમઃ।
જન-સુખકૃતે સત્ત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ
પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ॥
(શિવ મહિમ્ન સ્તોત્ર - ૩૦)
વિશ્વની ઉત્પત્તિ કરવાના નિમિત્તે જેના રજોગુણનું આધિક્ય છે તેવા બ્રહ્મા સ્વરૂપે આપને નમસ્કાર.
જગતનો લય કરવાના કાર્યમાં જેનો તમોગુણ પ્રથમ હોય છે તેવા હર (મહેશ) રૂપે આપને નમસ્કાર.
જગતનું પાલનકર્તા લોકોને સુખ આપવાના કાર્ય માટે સત્ત્વગુણસંપન્ન આપ વિષ્ણુ રૂપે છો તેને નમસ્કાર.
સત્ત્વ, રજ્ અને તમ આ ત્રણેય ગુણોથી પર ત્રિગુણાતીત અને સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ માટે અગર તે સ્થાને રહેતા આપ બ્રહ્મ(શિવાય)ને મારા વારંવાર નમસ્કાર.
આપ જગતની ઉત્પત્તિ કરવાના સંકલ્પથી રજોગુણનો સ્વીકાર કરીને બ્રહ્મા બનો છો અને જગતનો લય કરવા માંગો છો ત્યારે તમોગુણનો સ્વીકાર કરીને મહેશ (શિવ) સ્વરૂપે પ્રગટો છો અને જગતની વ્યવસ્થા - પાલન-પોષણ કરવાના હેતુથી આપ સત્ત્વગુણનો સ્વીકાર કરો છો ત્યારે વિષ્ણુરૂપે પૂજાઓ છો. તે પ્રમાણે આપ જ સર્જનહાર બ્રહ્મા છો, પાલનકર્તા વિષ્ણુ છો અને જગતસંહારક લયકર્તા મહેશ છો પરંતુ અસલમાં ગુણાતીત મંગલ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર સ્વરૂપે વેદોમાં આપનું બ્રહ્મ તરીકે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
શ્રીમદ્ ભાગવતના ચોથા સ્કંધના પહેલા અધ્યાયમાં એક વાત આવે છે કે -
એક વખત અત્રિઋષિને બ્રહ્માએ સૃષ્ટિરચનાની આજ્ઞા કરી ત્યારે અત્રિઋષિએ સો વર્ષ સુધી એક પગે ઉભા રહીને ઘોર તપશ્વર્યા કરી અને મનમાં ચિંતવન કરવા લાગ્યા કે
"આ જગતના જે ઈશ્વર છે તેને શરણે હું જાઉં છું અને તે ઈશ્વર મને પોતાના જેવો દીકરો આપો."
આ પ્રાર્થના સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો અત્રિઋષિ સમક્ષ પ્રગટ થયા ત્યારે અત્રિઋષિએ પૂછ્યું કે - "મેં તો આ જગતના જે ઈશ્વર એક જ છે તેમને એકને જ બોલાવ્યા છે અને મેં પુત્રોત્પત્તિ માટે એક જ ભગવાનને ચિત્તમાં ચિંતવ્યા છે. અને તમે ત્રણેય કેવી રીતે આવ્યા?"
આ સાંભળીને ત્રણેય દેવોએ હસીને મધુર વાણીથી જવાબ આપ્યો કે,
"હે ઋષિ ! તમે જે વસ્તુનું ધ્યાન કરો છો તે જ અમે ત્રણે છીએ ને અમારા અંશથી ઉત્પન્ન થયેલા ત્રણ પુત્રો તમારે ત્યાં થશે.
પછી અત્રિઋષિને ત્યાં બ્રહ્માના અંશથી ચંદ્ર, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને શંકરના અંશથી દુર્વાસા પુત્રરૂપે થયા.
કહેવાનું તાત્પર્ય એ કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર તે એક જ અને અદ્વિતીય બ્રહ્મના જ ત્રણ રૂપો છે. એકમાં જ ત્રણ ( Three in One) છે.