અત્યાર સુધીમા આપણે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મના નીચે પ્રમાણેના ત્રણ સ્વરૂપો સંબંધી ચર્ચા કરી.
નિર્ગુણ નિરાકાર - શુદ્ધ ચૈતન્ય પરાત્પર બહ્મ (પરમાત્મા) - પેરા: ૧ થી ૧૦
સગુણ નિરાકાર - ઈશ્વર (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) - પેરા ૧૧ થી ૧૫
સગુણ દિવ્ય સાકાર - રામ-કૃષ્ણ વગેરે દિવ્ય સાકાર અવતારો - પેરા ૧૬
હવે આપણે બ્રહ્મનું ચોથું સ્વરૂપ જોઈએ.
સમસ્ત વિશ્વ, બ્રહ્માંડ, જગત અને તેમાં રહેલા તમામ જીવો, મનુષ્ય, જળચર, સ્થલચર, નભચર પ્રાણીઓ. જડચેતન પદાર્થો, વનસ્પતિઓ વગેરે ચર - અચર, સ્થૂળ - સૂક્ષ્મ, વ્યક્ત - અવ્યક્ત, પ્રગટ - અપ્રગટ - તમામ બ્રહ્મનું સગુણ સાકાર (પાર્થિવ પ્રાકૃત સાકાર) સ્વરૂપ છે. એટલે કે સમસ્ત વિશ્વ, બ્રહ્માંડ, જગત, પરમાત્માનો સમષ્ટિ દેહ છે તેને નીચે પ્રમાણે ગુણોત્તર ક્રમમાં ગોઠવી શકાય.
૧.
(અ) શંકરાચાર્ય, રામાનુજચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યો; વશિષ્ઠ, વાલ્મિકી, વિશ્વામિત્ર, વગેરે તમામ મુનિઓ, યોગીઓ, બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ; ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, જરથુષ્ટ્ર. વગેરે તમામ દેશોના સંતો, પયગંબરો, આચાર્યો.
(બ) સ્વામી રામકૃષ્ણ પરમહંસ, રામતીર્થ, વિવેકાનંદ, નરસિંહ, મીરા, તુલસીદાસ, મહાત્મા ગાંધી, તિલક, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ વગેરે તમામ દેશોના અને ધર્મોના સંતો, ભક્તો, દૈવી સંપત્તિના જીવો.
(ક) હિટલર, મુસોલિની, ચંગીઝખાન વગેરે તમામ દેશોના, ધર્મોના આસુરી સંપત્તિના જીવો.
(ડ) મગનભાઈ, અમથાભાઈ, છગનભાઇ, ચતુરભાઈ, મથુરભાઈ, પેથાભાઈ , નાથાભાઈ, ડાહ્યાભાઈ, નર્મદાબેન, ગંગાબેન, પાર્વતીબેન, વગેરે વગેરે તમામ દેશોના અને ધર્મોના નામધારી અગર બેનામી સ્ત્રી, પુરુષો અને વ્યંઢળો.
(2)
(અ) જળચર પ્રાણીઓ - માછલાં, કાચબા, મગર વગેરે
(બ) સ્થળચર પ્રાણીઓ - ઘોડા, ગધેડા, ઊંટ, બકરા, કુતરા, ભૂંડ વગેરે
(ક) નભચર પ્રાણીઓ - કાગડા, મોર, ચકલી, પોપટ, સમડી, ગીધ, ગરુડ વગેરે
(ડ) જંતુઓ - માંકડ, મચ્છર, જુ, માખી, તીડ વગેરે
(૩) વનસ્પતિઓ - વૃક્ષો, આંબા, આંબલી, લીમડો, વડ, મહુડો, કારેલી, કંકોડી, ગીલોડા, ઘઉં, ડાંગર, વગેરેના છોડ, લત્તા, વેલ, ટેટી, તડબૂચ વગેરે
(૪) સ્થૂળ પદાર્થો - પર્વતો, સોનુ, ચાંદી, માટી, પથ્થર, હીરા, માણેક, તાંબુ, પિત્તળ, વગેરે તમામ ધાતુઓ - વગેરે વગેરે
આખું લિસ્ટ કરવા બેસીએ તો પાર જ ના આવે, આ તો ઉદાહરણ રૂપે નામો ગણાવ્યા.
ઉપરોકત તમામ જીવો , પ્રાણીઓ, પદાર્થો જે સમસ્ત વિશ્વમાં, જગતમાં, બ્રહ્માંડોમાં છે તે તમામ બ્રહ્મનું સગુણ સાકાર (પાર્થિવ-પ્રાકૃત) સ્વરૂપ છે તમામમાં બ્રહ્મનું ચૈતન્ય રેલાયેલું પડયું છે તે પૈકી (૧) માં મનુષ્યોમાં બ્રહ્મનું ચૈતન્ય પૂર્ણ વિકસીત હોય છે. જયારે (૨)માં પશુપક્ષી-પ્રાણીઓ- જંતુઓમાં અર્ધવિકસીત હોય છે. પરંતુ (૩)વૃક્ષ-વનસ્પતિઓમાં બ્રહ્મનું અર્ધ પ્રગટ-આંશિક પ્રગટ ચૈતન્ય હોય છે અને (૪) સ્થૂળ જડ પદાર્થોમાં બ્રહ્મનું અપ્રગટ ચૈતન્ય હોય છે.
ટૂંકમાં, સમસ્ત બ્રહ્માંડો, વિશ્વ જગતમાં, બ્રહ્મનું ચૈતન્ય ભરપૂર છે અને તે તમામમાં એક માત્ર બ્રહ્મની જ સત્તા છે એટલે વેદાંત કહે છે:
सर्वम् खलु इदम् ब्रह्म |
આ બધું જ બ્રહ્મનું સગુણ સાકાર (પ્રાકૃત સાકાર) સ્વરૂપ છે.
ઉપર પ્રમાણે બ્રહ્મનાં ચાર સ્વરૂપ આપણે જોયા:
૧) નિર્ગુણ નિરાકાર સ્વરૂપ (શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ)
૨) સગુણ નિરાકાર સ્વરૂપ (માયાવચ્છિન્ન ચૈતન્ય ઈશ્વર)
૩) સગુણ (દિવ્ય) સાકાર સ્વરૂપ (રામ-કૃષ્ણ વગેરે અનેક અવતારો)
૪) સગુણ (પ્રાકૃત) સાકાર સ્વરૂપ (સમસ્ત) વ્યષ્ટિ-સમષ્ટિ બ્રહ્માંડો તથા તેમાં રહેલા તમામ ચર-અચર પદાર્થ-પ્રાણીઓ.