ઉપર પ્રમાણે આપણે બ્રહ્મ(શુદ્ધ ચૈતન્ય)ના ત્રણ વિભાગ જોયા:
૧. અખિલ બ્રહ્માંડમાં વ્યાપક ચૈતન્ય પરાત્પર (માયાથી પણ પર) શુદ્ધ બ્રહ્મ (પરમાત્મા)
૨. માયાના ગુણોનો સ્વીકાર કરીને જગતની ઉત્ત્પત્તિ, સ્થિતિ અને લય વગેરેનું સંચાલન કરનાર ઈશ્વર (આત્મા)
૩. સમસ્ત પ્રાણી-પદાર્થમાં સમગ્ર રીતે રેલાયેલું શુધ્ધ ચૈતન્ય (બ્રહ્મ), અવિદ્યાને લીધે પોતાના અસલ સ્વરૂપને ભૂલીને પોતાનું સ્વરૂપ માની બેઠેલો જીવાત્મા.
૧. વ્યાપક ચૈતન્ય પરાત્પર શુદ્ધ પરમાત્મા તે ચૈતન્યનો મહાસાગર.
૨. તે બ્રહ્મનો અંશ ઈશ્વર દરેક પ્રાણી પદાર્થમાં બિરાજમાન છે અને તે જગતનું તંત્ર ચલાવે છે.
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥
૩. બ્રહ્મનો જ - ઈશ્વરનો જ અંશ હોવા છતાં પોતાના અસલ સ્વરૂપને ભૂલી જઈને અહંકારને વશ થઈને હું અને મારુ, તું અને તારું એવા કથાકબલામાં પડેલો અને તેથી પોતાના જ શુભાશુભ કર્મોનો ભોક્તા બનીને જન્મમરણના ચક્કરમાં ભટકતો જીવાત્મા.
આ પ્રમાણે બ્રહ્મના ત્રણ વિભાગ સમજવા પૂરતા કહ્યા. ખરેખર તો બ્રહ્મના ત્રણ વિભાગ પડી શકે નહિ. (વિભાગ શબ્દ વાપરવો એ ભાષાની ભૂલ છે) છતાં પણ ભગવાન ગીતામાં સ્પષ્ટતા કરતા કહે છે:
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम्।
હું (બ્રહ્મ) અવિભક્ત (indivisible) હોવા છતાં વિભક્ત (divided) જેવો દેખાઉં છું. Even though I am indivisible, I appear to have been divided in different bodies and things.
વ્યાપક આકાશના ટુકડા થઇ શકે નહિ છતાં ઓરડામાં રહેલું આકાશ, ડ્રોઈંગરૂમનું આકાશ, બાથરૂમમાં રહેલું આકાશ, કોઠીમાં રહેલું આકાશ, ઘડામાં રહેલું આકાશ, લોટામાં, પવાલામાં, કબાટમાં રહેલું આકાશ, ભિન્ન ભિન્ન કપાયેલું દેખાય છે; તેમ અવિભક્ત બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય) જુદા જુદા દેહમાં, પ્રાણીઓમાં, પદાર્થોમાં, જુદું જુદું વિભક્ત થયેલું, વહેચાયેલું, કપાયેલું દેખાય છે.
ઘટાકાશ (ઘડામાં રહેલું આકાશ) ઘડો ફૂટી જતા મઠાકાશમાં (મકાનના આકાશમાં) ભળી જાય છે અને મઠાકાશ (મકાનમાં રહેલું આકાશ) મકાન (મઠ) ભાગી જતા મહાકાશમાં (વિરાટ આકાશમાં) ભળી જાય છે તેવી જ રીતે જીવાત્મામાં રહેલો દેહાધ્યાસ કે અહંકાર વિલીન થતા તે બ્રહ્મમાં લીન થઇ જાય છે.
મકાનમાં રહેલું આકાશ અને મકાનની બહાર રહેલું આકાશ ભિન્ન નથી. બંને એક જ છે છતાં વચમાં દીવાલો ઉભી કરેલી હોવાથી આકાશ વિભક્ત થયેલું દેખાય છે. મકાનની અંદર તથા બહાર એક જ આકાશ છે, એટલું જ નહિ પરંતુ આખું મકાન જ આકાશમાં છે. એવી જ રીતે બ્રહ્મ (શુદ્ધ ચૈતન્ય) તમામ પ્રાણી પદાર્થોમાં અંદર-બહાર એક જ છે.
बहिरंतश्च भूतानाम्
એટલું જ નહિ, પરંતુ તમામ પ્રાણી-પદાર્થ સહીત સમસ્ત વિશ્વ બ્રહ્મમાં જ છે, બ્રહ્મમય છે બ્રહ્માકાર છે.